પોલેન્ડનું સંસ્કૃત પ્રત્યેનું અદમ્ય આકર્ષણ : 164 વર્ષ પહેલા ભારત સાથેનું કનેક્શન
સંસ્કૃત સાથે પોલેન્ડનો સંબંધ 160 વર્ષ જૂનો છે, જે પોલેન્ડ અને ભારત વચ્ચેનો અનોખો સાંસ્કૃતિક સંબંધ દર્શાવે છે. શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું આ કનેક્શન આજે પણ ખીલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓગસ્ટ, 2024 ના રોજ પોલેન્ડ મુકામે હશે. આ 1979 પછી ભારતીય વડા પ્રધાનની પોલેન્ડ ખાતેની પ્રથમ મુલાકાત છે. માટે પોલેન્ડની સંસ્કૃત ઉપરાંત ઇન્ડોલોજીમાં ઊંડી અને કાયમી રુચિનું અન્વેષણ કરવું મહત્વપૂર્ણ છે અને તેના માટેનો આ યોગ્ય સમય છે.
જેગીલોનિયન યુનિવર્સિટીની ભૂમિકા
પોલેન્ડમાં સંસ્કૃતનો અભ્યાસ ક્રાકોવની પ્રતિષ્ઠિત જેગીલોનિયન યુનિવર્સિટીમાં શરૂ થયો હતો, જે પોલેન્ડની સૌથી જૂની યુનિવર્સિટી જ નહીં પણ યુરોપની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક છે. 1860 અને 1862 ની વચ્ચે, યુનિવર્સિટીએ સંસ્કૃત વ્યાકરણ પર પ્રથમ વખત પ્રવચનોનું આયોજન કર્યું હતું. તે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પરંપરા બની ગઈ જે ચાલુ જ રહી.
1893 માં, જેગીલોનિયન યુનિવર્સિટીમાં પ્રથમ સત્તાવાર સંસ્કૃત અધ્યક્ષની સ્થાપના કરવામાં આવી હતી. અધ્યક્ષનું નેતૃત્વ પ્રોફેસર લિયોન મેનકોવસ્કી દ્વારા કરવામાં આવ્યું હતું, જે કાયદા અને ફિલસૂફીની પૃષ્ઠભૂમિ ધરાવતા પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. મેનકોવ્સ્કી, જેઓ લીપઝિગ યુનિવર્સિટીમાં સંસ્કૃતના સહયોગી પ્રોફેસર પણ રહી ચુક્યા હતા, તેઓ પોલિશ ભાષામાં પ્રવચન આપનાર પ્રથમ પોલિશ ઈન્ડોલોજિસ્ટ બન્યા માટે તે વિષયને પોલેન્ડના વિશાળ પ્રેક્ષકો માટે વધુ સુલભ બનાવ્યો.
ઈન્ડોલોજીની પરંપરા
મેનકોવ્સ્કી પછી, પ્રોફેસર આન્દ્રેઝ ગાવરોન્સ્કીએ સુકાન સંભાળ્યું. 100 થી વધુ ભાષાઓમાં અસ્ખલિત નિપુણ એવા અસાધારણ ભાષાશાસ્ત્રી ગાવરોન્સ્કી 1916માં ઓલ્ડ ઈન્ડિયન ફિલોલોજીના એસોસિયેટ પ્રોફેસર બન્યા. સંસ્કૃત બૌદ્ધ સાહિત્ય અને ભારતીય નાટક પરના અભ્યાસ સહિત તેમનું વિદ્વતાપૂર્ણ યોગદાન અભૂતપૂર્વ રહ્યું. ગાવરોન્સ્કીએ સંસ્કૃત પર પ્રથમ પોલીશ પાઠ્યપુસ્તક પણ લખ્યું હતું, જે પોલેન્ડમાં આજ સુધી ભાષાના અભ્યાસમાં પાયાનો પથ્થર ગણાય છે.
પોલેન્ડમાં ઇન્ડોલોજીની પરંપરાને હેલેના વિલમેન-ગ્રેબોસ્કા દ્વારા વધુ સમૃદ્ધ બનાવવામાં આવી હતી, જેઓ 1937માં જેગીલોનિયન યુનિવર્સિટીમાં સંપૂર્ણ પ્રોફેસરશિપ મેળવનારી પ્રથમ મહિલા બની હતી. 1928 માં સંસ્કૃત અને ભારતીય ફિલોલોજીના અધ્યક્ષ તરીકે નિયુક્ત, વિલમેન-ગ્રેબોસ્કાએ તેનો વિસ્તાર કર્યો. યુનિવર્સિટીમાં ભારતીય અભ્યાસનો અવકાશ વધ્યો. તેમણે ઈન્ડોલોજી લાઈબ્રેરી શરૂ કરી, જેમાં ભારતના સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર અભ્યાસક્રમો સામેલ કર્યા અને દ્રવિડિયન પરિવારની ભાષાઓ સહિત બૌદ્ધ ધર્મ, પાલી અને આધુનિક ભારતીય ભાષાઓનો અભ્યાસ શરૂ કર્યો અને કરાવ્યો. 1970 ના દાયકામાં, ભાષાશાસ્ત્રી ટેડેયુઝ પોબોઝનિયાકે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં હિન્દી ભાષાનો અભ્યાસક્રમ ઉમેર્યો, પોલેન્ડમાં ભારતીય અભ્યાસના વ્યાપને વધુ વિસ્તૃત કર્યો.
વોર્સો અને બીજા શહેરો: ઈન્ડોલોજિકલ સ્ટડીઝનું વિસ્તરણ
1932માં સ્થપાયેલી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વૉર્સો યુનિવર્સિટી, મધ્ય યુરોપમાં ભારતીય અભ્યાસનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. તેનો ઈન્ડોલોજી વિભાગ ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસનું કેન્દ્ર છે. વોર્સો અને ક્રાકો ઉપરાંત, અન્ય પોલિશ યુનિવર્સિટીઓએ પણ ઈન્ડોલોજિકલ અભ્યાસ અપનાવ્યો છે. આ શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પોઝનાની આદમ મિકીવિઝ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ રૉકલો નોંધપાત્ર છે.
સાંસ્કૃતિક સંબંધો: આધુનિક પરિપ્રેક્ષ્ય
પોલેન્ડનું સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું આકર્ષણ માત્ર શિક્ષણ જગત પૂરતું મર્યાદિત નથી. 2022 માં, વોર્સો યુનિવર્સિટી લાઇબ્રેરીની દિવાલ પર કોતરવામાં આવેલ ઉપનિષદના શ્લોકોનો ફોટો વાયરલ થયો હતો, જેણે ભારતમાં વ્યાપક પ્રશંસા મેળવી હતી. પછીના વૈદિક સંસ્કૃત ગ્રંથોના આ શિલાલેખો ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પ્રત્યે પોલિશ લોકોના ઊંડા આદર અને નિખાલસતા દર્શાવે છે.
પોલેન્ડમાં ભારતીય રાજદૂત નગમા એમ મલિકે ભારપૂર્વક જણાવ્યું છે કે સંસ્કૃત અને ભારતશાસ્ત્રનો અભ્યાસ પોલેન્ડ-ભારત સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું છે. આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે.
પોલેન્ડની સંસ્કૃત અને ઇન્ડોલોજીમાં લાંબા સમયથી દિલચસ્પી એ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને સમજવા અને તેની પ્રશંસા કરવા માટેની દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વડાપ્રધાન મોદી પોલેન્ડની મુલાકાતે છે ત્યારે આ સહિયારો શૈક્ષણિક વારસો બંને દેશો વચ્ચેના ગાઢ અને કાયમી સંબંધોની યાદ અપાવે છે. મેનકોવ્સ્કી, ગાવરોન્સ્કી અને વિલમેન-ગ્રેબોસ્કા જેવા વિદ્વાનોનો વારસો ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતો રહેશે, એ સુનિશ્ચિત કરશે કે સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ પોલિશ શિક્ષણશાસ્ત્રનો જીવંત અને અભિન્ન ભાગ બની રહેશે.