હવે દેશની હોસ્પિટલો બિલના નામે લોકોને લૂટી નહીં શકે : આરોગ્ય મંત્રાલય દ્વારા કામગીરી શરૂ, જાણો શું છે સરકારની તૈયારી
કેન્દ્ર સરકાર દેશભરની હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ચકાસણી કેન્દ્રોમાં બિલિંગ પ્રક્રિયાને પારદર્શી બનાવવા અને એક સમાન રખાવવા માટેની તૈયારી કરી રહી છે . આ માટે સરકાર ટૂક સમયમાં જ બધા જ આરોગ્ય સંસ્થાનો માટે સ્ટાન્ડર્ડ બોલિંગ ફોર્મેટ લાવવાની છે. આ માટે તૈયારી થઈ રહી છે.
સરકારના વર્તુળોએ એવી માહિતી આપી છે કે આ નવા ફોર્મેટમાં સારવારના ખર્ચની સ્પષ્ટ અને વિસ્તૃત જાણકારી આપવી ફરજિયાત હશે. આ પ્રક્રિયાનો હેતુ એવો છે કે બિલમાં કરવામાં આવતી ગરબડો અને હોસ્પિટલોની મનમાની પર અંકુશ આવે અને લોકોને ન્યાય મળે અને તેઓ લૂટાય નહીં.
આ નવા બિલિંગ ફોર્મેટને ભારતીય સ્ટાન્ડર્ડ બ્યૂરો અને આરોગ્ય મંત્રાલય સાથે મળીને તૈયાર કરી રહ્યા છે. આમ તો બીઆઈએસ દ્વારા ગત વર્ષે આ પ્રક્રિયા શરૂ કરાઇ હતી અને સંબંધીતો સાથે મસલતો કરી હતી અને સૂચનો લીધા હતા. ત્યારબાદ હવે આ પ્રક્રિયા ઝડપી બનાવાઇ છે .
સરકાર એમ માને છે કે આ નવું ફોર્મેટ આવ્યા બાદ દર્દીઓને અનેક પ્રકારના ફાયદા થશે . સૌથી મોટો ફાયદો એ થશે કે એમને પોતાના બિલનો બધી ડિટેલ સમજવાની તક મળશે. અત્યારે તો આખેઆખી રકમ જ બતાવવામાં આવે છે તે ભરવી પડે છે. કઈ ચીજ માટે કેટલો ચાર્જ લાગ્યો છે તે બતાવવામાં આવતું નથી.
જો કે નવા નિયમ મુજબ લોકો બિલની તપાસ કરી શકશે અને ખોટો ચાર્જ લગાવવામાં આવ્યો હશે તો તેની ફરિયાદ કરી શકશે. પ્રતિ દિવસ રૂમનું ભાડું, ડૉક્ટર અને નિષ્ણાત સલાહ માટેનો ચાર્જ, ઓપરેશન ચાર્જ, દરરોજ થનાર રિપોર્ટની યાદી વગેરે બધુ જ બતાવવું પડશે.
