સાંજે વડાપ્રધાને બોલાવેલી કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા
વડાપ્રધાન સંસદના ખાસ સત્રથી માસ્ટર સ્ટ્રોક લગાવી શકે છે અને 27 વર્ષથી અટકેલાં મહિલા અનામત ખરડા પર બાજી મારી શકે છે તેવી ચર્ચા છે .કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવી શકે છે. સોમવારથી સંસદના વિશેષ સત્રની શરૂઆત થઇ હતી. એવામાં બુધવારે મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ થઈ શકે છે તેવી પૂરી શક્યતા છે.
મોદીજીએ આજે સાંજે કેબિનેટની બેઠક બોલાવી હતી અને મહિલા અનામત સહિતના મુદ્દે મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. એવી અટકળો તેજ બની હતી કે એજન્ડામાં મહિલા ખરડો શામેલ થઈ શકે છે.
જો આ બિલને રજૂ કરવામાં આવશે તો આ બિલને સરળતાથી પસાર કરી દેવાશે કેમ કે આ બિલ પર સત્તાપક્ષની સાથે વિપક્ષી દળો પણ સહમત છે. વિપક્ષ તરફથી આ બિલને લઈને જોરદાર હિમાયત પણ અગાઉ કરાઈ હતી.
ખરેખર સોમવારે શરૂ થયેલા સત્રના એક દિવસ પહેલા એટલે કે રવિવારે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમાં ઈન્ડિયા ગઠબંધન સહિત NDAના નેતાઓ પણ સામેલ થયા હતા. આ દરમિયાન મહિલા અનામત બિલ અંગે પણ ચર્ચા થઈ હતી જેને પાસ કરાવવા માટે ન ફક્ત INDIA પરંતુ NDA ના સાથી પક્ષોએ પણ સહમતિ આપી હતી.