એક દેશ બે ટેક્સ ! બહારના રાજ્યની ટ્રાવેલ્સ બસોને તોતિંગ દંડ
વન નેશન વન ટેક્સને બદલે અમદાવાદ આરટીઓએ ઓલ ઈંડિયા પરમીટ ધરાવતી બસોને આડેધડ દંડ ફટકારતા ટ્રાવેલ્સ સંચાલકો અકળાયા
વન નેશન વન ટેક્સની વાતો વચ્ચે દેશમાં રાજ્ય-રાજ્ય વચ્ચે ટેક્સ માળખામાં મોટું અંતર હોય હાલમાં મોટાભાગના ટ્રાવેલ્સ સંચાલકો નાગાલેન્ડ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં બસનું પાસિંગ કરાવી ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમીટ કઢાવી નિયમિત પણે ટેક્સ ચૂકવી રહ્યા હોવા છતાં અમદાવાદ આરટીઓ દ્વારા બહારના રાજ્યનું પાસિંગ ધરાવતી ટ્રાવેલ્સ બસોને આડેધડ આકરા દંડ ફટકારવાંનું શરૂ કરતા શુક્રવારે રાજકોટ ટ્રાવેલ્સ એસોશિએશન દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.
રાજકોટ ટ્રાવેલ્સ એસોશિએશન પ્રમુખ વિજયસિંહ જાડેજા અને ઉપ પ્રમુખ પ્રદીપભાઈ થિયારાની આગેવાની હેઠળ શુક્રવારે ટ્રાવેલ્સ સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, દેશમાં વન નેશન વન ટેક્સ અમલી હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો જે રાજ્યમાં ઓછો ટેક્સ છે તેવા રાજ્યોમાં બસનું પાસિંગ કરાવી નિયમ મુજબ ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમીટ કઢાવી પેસેન્જરોને તેમજ ટુર ઓપરેટરોને વ્યાજબી કિંમતે સેવા આપી પ્રવાસન ઉદ્યોગને વેગ આપી રહ્યા છે પરંતુ વન નેશન વન ટેક્સ અમલી હોવા છતાં પણ અમદાવાદ આરટીઓ દ્વારા બહારના રાજ્યોનું પાસિંગ ધરાવતી અને ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમીટ ધરાવતી બસને ડિટેઇન કરી પાંચથી સાત લાખ સુધીનો દંડ ફટકારી રહ્યા છે જે યોગ્ય નથી. આ સંજોગોમાં વન નેશન વન ટેક્સ મુજબ બહારના રાજ્યના પાસિંગ ધરાવતી બસને હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.