બિહારમાં નીતિશ- ભાજપ ગઠબંધનના વિરોધમાં જેડીયુના મહામંત્રીનું રાજીનામું
ચાર વખત સાંસદ રહેલા વગદાર મુસ્લિમ નેતા આરજેડીમાં જોડાય તેવી સંભાવના
લોકસભાની ચૂંટણી પૂર્વે બિહારમાં જેડીયુના મહામંત્રી મહંમદ અલી અસરફ ફાતિમીએ પક્ષના તમામ હોદ્દા તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ફાતિમીબિહારની દરભંગા બેઠક પરથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ ફરજો બજાવી હતી. બિહારના રાજકારણમાં તેમની વગદાર મુસ્લિમ નેતા તરીકેની ઓળખ છે. તેઓ હવે લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષમાં જોડાઈ જશે તેવા નિર્દેશ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ફાતિમીએ કહ્યું કે જેડીયુ અને આરજેડીની ગઠબંધન સરકાર ખૂબ સારી રીતે ચાલી રહી હતી. ભાજપના આપખુદ અને ભાગલાવાદી શાસન સામે નીતીશકુમાર એક મજબૂત ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. પણ નીતિશે પાટલી બદલી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું તેનાથી હું આઘાત પામ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સાથે ગઠબંધન કરવા માટે નીતિશકુમાર કોઈ પ્રતીતિજનક કારણ પણ નહોતા આપી શક્યા.
નીતીશ કુમારના પાટલી બદલવાના પગલાનો વિરોધ કરનાર ફાતિમી એ પોતે રાજકીય કારકિર્દીની શરૂઆત આરજેડીથી કરી હતી. 2019 માં પાટલી બદલીને તેઓ જેડીયુ સાથે જોડાઈ ગયા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ દરભંગા અથવા મધુબાનીની બેઠક ઉપરથી ચૂંટણી લડવા ઉત્સુક હતા પણ એ બંને બેઠકો ભાજપને ફાડે જતા તેમનું પત્તું કપાઈ ગયું હતું.