આ તારીખે થશે એશિયાઇ સિંહની વસ્તી ગણતરી : તૈયારીઓ પુરજોશમાં, જાણો કઈ પધ્ધતિથી થશે વસ્તી ગણતરી
સિહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિહની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિહનો આગામી 16મો વસ્તી અંદાજ-2025 સંભવિત તા.10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.10 થી 11 અને આખરી વસ્તી અંદાજ તા.12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે.
ડાયરેક્ટ બીટ વેરીફીકેશનપદ્ધતિથી કરવામાં આવશે વસ્તી ગણતરી
આ વસ્તી અંદાજની કામગીરી સિહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરીફીકેશનપદ્ધતિથી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. એશિયાઈ સિહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરીફીકેશન ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 10૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિહોની વસ્તી ગણતરી કરવામાં આવશે
સિહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત જી.આઈ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે, તેમ ગીર ફોરેસ્ટ, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.