ગજબનો તસ્કર ! ચોરી કરવા પ્લેનમાં આવતો, ઓડી કારમાં જ ફરવાનું !
મહિને બે લાખનું ડ્રગ્સ પી જતો: એક કરોડના બંગલામાં ભાડે રહેતો: વધુ એક ચોરી કરે તે પહેલાં જ પોલીસે દબોચ્યો
પોલીસે એક એવા ગજબ તસ્કરને પકડ્યો છે જે અલગ-અલગ ઠેકાણે ચોરી કરવા જાય એટલે બસ કે ટે્રન નહીં બલ્કે પ્લેનમાં જ જવાનો આગ્રહ રાખતો હતો. આટલું જ નહીં આ ચોર ઓડી સહિતની મોંઘીદાટ કારમાં જ ફરતો હતો સાથે સાથે મહિને બે લાખ રૂપિયાથી વધુનું ડ્રગ્સ પણ પી જતો હતો. તે જે બંગલામાં ભાડે રહેતો હતો તેની કિંમત એક કરોડથી પણ વધુ છે. જો કે પાપ છાપરે ચડીને પોકારતું જ હોય તેવી રીતે તે વધુ એક ચોરીને અંજામ આપે તે પહેલાં પોલીસે પકડી પાડ્યો છે.
વલસાડ એલસીબીએ રોહિત સોલંકી નામના એક તસ્કરની ધરપકડ કરી હતી જે મુંબઈના મુંબ્રા વિસ્તારમાં રહે છે. પોલીસે તેના કબજામાંથી ઓડી કાર, રોકડ, દાગીના સહિત ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રોહિત સોલંકીની જીવનશૈલી એકદમ શાહી છે. તે મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એક કરોડથી વધુની કિંમતના બંગલામાં ભાડે રહેતો હતો તે અલગ-અલગ રાજ્યમાં ચોરી કરવા માટે માત્ર ફ્લાઈટમાં જ જતો હતો. ચોરી કરવા માટે તે એવા શહેરની પસંદગી કરતો જે એરપોર્ટ ધરાવતું હોય અને ચોરીની જગ્યા પણ એરપોર્ટની આજુબાજુમાં જ હોય. તે ફાઈવ સ્ટાર હોટેલમાં જ રોકાતો અને દિવસ દરમિયાન પોશ વિસ્તારની રેકી કર્યા બાદ રાત્રે ત્યાં ત્રાટકીને હાથ સાફ કરી લેતો હતો. રોહિત સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા સહિતના રાજ્યોમાં ૨૭થી વધુ ચોરી કરી હોવાનું ખુલ્યું છે.
રોહિતે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી તે પ્રમાણે નામ પણ રાખ્યું હતું. તે ડ્રગ્સનો બંધાણી હોવાથી ચોરીના રવાડે ચડી ગયો હતો અને ડ્રગ્સ પાછળ જ મહિને બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરતો હતો.