વિદેશમાં ભણીને ડોક્ટર થયા પણ ભારતમાં કોઈ જવાબ આપતું નથી! તબીબોને NMCમાં થયો કડવો, વાંચો શું છે સમગ્ર ઘટના
ભારતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે ઘણા વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે અને અભ્યાસ પૂરો કર્યા પછી ભારતમાં આવીને જુદા જુદા પ્રોફેશનમાં લાગી જતા હોય છે. ખાસ કરીને તબીબી ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ભારત પરત આવ્યા પછી પ્રેકટીશ શરુ કરવી હોય તો સરકાર તરફથી એક સર્ટીફીકેટની જરૂર પડતી હોય છે અને આ સર્ટીફીકેટ નેશનલ મેડીકલ કાઉન્સિલ આપતી હોય છે. તાજેતરમાં આ મેડીકલ કાઉન્સિલનો એક કડવો અનુભવ તબીબી વિદ્યાર્થીઓને થયો હતો. વોઈસ ઓફ ડે સમક્ષ આ કડવા અનુભવનું વર્ણન કરતા તબીબી વિદ્યાર્થીઓ ઘણા નિરાશ જણાતા હતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીની દરમિયાનગીરી ઈચ્છતા હતા.
એક વિદ્યાર્થીએ કહ્યું કે, દરેક વિદ્યાર્થી જે પોતાના ભવિષ્યને સંવારવા વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે જાય છે, તેની અંદર ક્યાંક ને ક્યાંક પોતાના વતન માટે સેવા આપવાની ઈચ્છા હોતી જ હોય છે. એ ઈચ્છા એનું સપનું બને છે – કે એક દિવસ તે પોતાના દેશના લોકો માટે તબીબી સેવાઓ પૂરી પાડી શકશે. પણ જ્યારે એ ઈચ્છા અને આસ્થાને આપણી સરકારી સિસ્ટમ ઠોકર મારે છે , ત્યારે એ સપનાનું ભાંગી પડવું કુદરતી બની જાય છે.
આ કડવા અનુભવની શરૂઆત સવારે 9:45 વાગ્યે શરૂ થઇ જયારે અમે ભારતીય અને વિદેશથી અભ્યાસ પૂર્ણ કરેલ ઈન્ટરનેશનલ મેડિકલ ગ્રેજ્યુએટ — નવી દિલ્હીમાં આવેલી નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)ની ઓફિસ પર ગયા હતા. અમે 12-15 જેટલા અન્ય વિદ્યાર્થીઓ હતા, સૌ કોઈએ FMGE (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ) માટે અગત્યનું પ્રમાણપત્ર મેળવવાની આશા રાખી હતી, જેથી અમે આપણા વતનમાં ડોક્ટર તરીકે કાર્ય શરૂ કરી શકીએ.
પરંતુ નસીબે અમારું સ્વાગત સરકારી તંત્રના એક અશિક્ષિત સુરક્ષા રક્ષક દ્વારા થયું, જેમણે અમને કઠોર અને અશ્રાવ્ય ભાષામાં કહી દીધું કે “અહીંથી જતા રહો, અહીં કોઈ મળવાનુ નથી.” અમારા પ્રશ્નો સાંભળ્યા વગર જ જવાબ મળી ગયો — “રજિસ્ટરમા એન્ટ્રી કરી દો, સાંજે ઈમેલ આવી જશે.”
કલ્પના કરો, એ સંસ્થા કે જ્યાં દેશના મોટા મોટા તબીબો રજિસ્ટ્રેશન કરાવે છે, ત્યાં ભવિષ્યના ડોક્ટરોની કોઈ ઈજ્જત જ ના હોય, ત્યારે એ દેશનું આરોગ્યતંત્ર કેટલુ દયનીય હશે? આવા સેંકડો વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી **NMCના સર્ટીફીકેટની રાહ જુવે છે પણ હજુ સુધી કોઈને મળ્યા નથી અને તેને લીધે તેઓ ભારતમાં કોઈ પ્રેકટીશ શરુ કરી શક્યા નથી.
આ વિદ્યાર્થીએ કહ્યું કે જ્યારે અમે ફરીથી વિનંતી કરી કે અમને અંદર જવા દો જેથી કોઈ અધિકારીને મળીને અમારી મુશ્કેલી રજૂ કરી શકીએ, ત્યારે એ જ સુરક્ષા રક્ષકે અમને ધક્કો મારીને બહાર ધકેલવાનો પ્રયાસ કર્યો. ત્રાસદાયક ઉકળતી ઉનાળાની ગરમીમાં લગભગ 3.5 કલાક રાહ જોઈને અંતે અમને અંદરના કોઈ કર્મચારી સાથે ફોન પર વાત કરવાની તક મળી. પણ ત્યાંથી પણ સમાધાનના સ્થાને “તમે ફરીથી ડોક્યુમેન્ટ્સ NMC ના પોર્ટલ પર અપલોડ કરો, ઈમેલ આવી જશે” એવી સલાહ મળી.
આવો છે આજના ભારતમાં ભવિષ્યના તબીબો માટેનો વ્યવહાર. જ્યાં એક તરફ ડોક્ટરોની અછત છે, અને બીજી તરફ યોગ્ય માર્ગદર્શનના અભાવે, અમુક અધિકારીઓના અસંવેદનશીલ વર્તનના કારણે, ભવિષ્યના ડોક્ટરોનું મનોબળ તૂટે છે.
ભવિષ્યના તબીબો સાથે આવું વર્તન આપણા દેશના તબીબી તંત્ર માટે એક કાળો ધબ્બો છે. જ્યારે એક યુવાન પોતાના જ દેશ માટે સેવા કરવા મથામણ કરે છે, ત્યારે એના સામે આવી અશિષ્ટતા અને અવ્યવસ્થા આવવી નહીં જોઈએ. NMCની બહાર બનેલી આ ઘટના માત્ર કેટલાક યુવાનોનો અવાજ નથી પરંતુ દરેક એવા યુવાનો અવાજ છે, જેણે દેશ માટે સારું ભવિષ્ય જોયું છે.