બેન્ક કોઈ પણ હોય, 1 લાખ સુધીની બચત ઉપર વ્યાજ સરખુ! RBIએ તમામ કોમર્શીયલ બેન્કો માટે લાગુ કર્યા નવા નિયમો
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશભરમાં બચત ખાતાઓમાં પૈસા જમા કરાવતા લાખો લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઘણા લોકો પહેલા ચિંતા કરતા હતા કે કઈ બેંકમાં ખાતું ખોલવું, કઈ બેંક વધુ વ્યાજ દર આપશે, અથવા કઈ બેંક વધુ સુરક્ષિત રહેશે. આર.બી.આઈ.ના નવા નિયમથી આ મૂંઝવણ મોટાભાગે દૂર થઈ ગઈ છે. હવે, દેશભરની બધી કોમર્શીયલ બેંકો 1 લાખ સુધીની થાપણો પર સમાન વ્યાજ ચૂકવશે. આનો અર્થ એ છે કે તમારું સ્ટેટ બેન્ક , કેનેરા બેંક અથવા અન્ય કોઈપણ બેંકમાં ખાતું હોય, વ્યાજ દર હવે બદલાશે નહીં.
રીઝર્વ બેન્કે બધી કોમર્શિયલ બેંકોને 1 લાખ સુધીની બચત ખાતાની થાપણો પર એકસમાન વ્યાજ દર લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી દરેક બેન્ક અલગ અલગ વ્યાજ દર ઓફર કરતી હતી, જેના કારણે ગ્રાહકોમાં મૂંઝવણ ઉભી થતી હતી. જોકે, નવા નિયમ સાથે, આ રકમ માટે વ્યાજ દર સંપૂર્ણપણે સમાન રહેશે, જે સામાન્ય ગ્રાહકોને સુવિધા આપશે.
રીઝર્વ બેન્કનો આ નિયમ બધી બેંકોને લાગુ પડે છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક , એસ.બી.આઈ હોય કે કેનેરા બેન્ક, 1 લાખ સુધીના બચત ખાતા પરનું વ્યાજ હવે બધી બેન્કોમાં સમાન રહેશે.આનાથી નાના ગ્રાહકોને ફાયદો થશે, કારણ કે તેઓ હવે વ્યાજ દરના તફાવત પર નહીં, પરંતુ ફક્ત સેવા અને સુવિધાના આધારે તેમના બેંક અંગેના નિર્ણયો લઈ શકે છે.
નવો નિયમ ફક્ત 1 લાખ સુધીની રકમ પર લાગુ પડે છે. બેંકો આ મર્યાદાથી વધુની થાપણો માટે પોતાના વ્યાજ દર નક્કી કરી શકે છે. આનો અર્થ એ છે કે જો કોઈની પાસે 1 લાખથી વધુ બેલેન્સ હોય, તો પહેલાની જેમ બેંકના પોતાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે.
રીઝર્વ બેન્કે એવો પણ સ્પષ્ટતા કરી છે કે દરેક દિવસના અંતે તમારા ખાતામાં રહેલા બેલેન્સના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવશે. આનો ફાયદો એ છે કે જે દિવસોમાં તમારા ખાતામાં બેલેન્સ વધારે હશે, ત્યારે તમને વધુ વ્યાજ મળશે.બેંકોને દર ત્રણ મહિને ઓછામાં ઓછું એક વાર બચત ખાતામાં વ્યાજ જમા કરવાની સૂચના આપવામાં આવી છે. આનાથી ગ્રાહકો સમયાંતરે વ્યાજ મેળવશે અને તેમની કમાણીનો હિસાબ રાખશે.
આ પણ વાંચો :એક સમયે પોલિયોથી શરમ આવતી આજે દિવ્યાંગ ડોકટર બની લોકોને દર્દમુક્ત કરે છે પરેશ ઢોલરીયા : દિવ્યાંગ દિવસ નિમિત્તે વાંચો રિયલ હીરોની દાસ્તાન
રીઝર્વ બેન્ક દ્વારા આ ફેરફાર કરોડો લોકો માટે મોટી રાહત સમાન છે જે બચત કરે છે. હવે બેંક બદલવાની કે વ્યાજ દરોની સરખામણી કરવાની ઝંઝટ ઓછી થશે અને ગ્રાહકો સરળતાથી તેમની બચતનું આયોજન કરી શકશે.
નાના ગ્રાહકોને ફાયદો
આ નવો નિયમ એવા લોકો માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે જેમના ખાતામાં સામાન્ય રીતે ૧ લાખ સુધીની બચત હોય છે. હવે, તેમને દરેક બેંકના અલગ અલગ વ્યાજ દરોનો સામનો કરવો પડશે નહીં. પારદર્શિતા વધશે, અને બેંકો કોઈને પણ ઊંચા કે ઓછા વ્યાજ દરો આપી શકશે નહીં.
આ નિયમો પણ લાગુ
- બેન્ક કર્મચારી, નિવૃત કર્મચારી કે પછી તેના પરિવારજનોને એફ.ડી.અથવા બચત ખાતા ઉપર ૧ ટકો વધારાનું વ્યાજ આપી શકાશે
- સિનીયર સિટીઝનો માટે બેન્ક ઈચ્છે તો અલગ અને વધુ વ્યાજ દરવાળી એફ.ડી. સ્કીમ લાવી શકે છે
- ટાઈમ ડીપોઝીટ મેચ્યોર થયા બાદ રૂપિયા ન ઉપાડ્યા હોય તો બચત ખાતાના વ્યાજ દર અથવા ટીડીની મૂળ વ્યાજ દર એમ બેમાંથી જે ઓછું હશે તે જ મળશે
- કરંટ એકાઉન્ટ ઉપર સામાન્ય રીતે કોઈ વ્યાજ નહી મળે.પણ એકાઉન્ટ ધારકનું મૃત્યુ થાય તો મૃત્યુની તારીખથી ચુકવણીની તારીખ સુધી બચત ખાતાના દર પ્રમાણે વ્યાજ મળશે
- એફ.ડી.ની મીનીમમ મુદ્દત ૭ દિવસ છે પણ જો કોઈ ૭ દિવસ પહેલા એફ.ડી.તોડે તો કોઈ વ્યાજ નહી મળે
- બેન્કો ડીપોઝીટ જમા કરાવવાના નામે લોટરી, વિદેશ યાત્રા જેવી સ્કીમ જાહેર નહી કરી શકે. કમ્પાઉન્ડ વ્યાજ દેખાડીને ભ્રામક જાહેરાત પણ નહી કરી શકે.
