કઇંક આવું હશે અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન : ઈસરોએ મોડેલ જાહેર કર્યું, જાણો ક્યાં સુધીમાં થઈ જશે તૈયાર
શનિવારે નેશનલ સ્પેસ ડે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતરિક્ષમાં ભારતનું પોતાનુ અવકાશ મથક એટલે કે સ્પેસ સ્ટેશન હશે તેવી જાહેરાત કરી છે તો બીજી તરફ ઈસરોદ્વારા ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્પેસ સ્ટેશન 2035 સુધીમાં તૈયાર થઈ જશે. નેશનલ સ્પેસ ડે સેલિબ્રેશનની બે દિવસની ઉજવણી દરમિયાન ન્યૂ દિલ્હીમાં આ મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષમાં હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ચીનનું ટિઆંગોંગ સ્પેસ સ્ટેશન છે. આથી ભારત પણ હવે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી ઇલાઇટ ક્લબમાં જોડાવા માગે છે.
ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું પહેલું મોડ્યુલ એટલે કે BAS-01ને 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્ટેશનમાં 2035 સુધીમાં પાંચ મોડ્યુલ મોકલવામાં આવશે અને ત્યારે આ સ્ટેશન સંપૂર્ણ રીતે પૂરું થશે. BAS-01નું વજન 10 ટન છે અને એ પૃથ્વીથી 450 કિલોમીટરના અંતરે ભ્રમણ કરશે. એમાં એન્વાયરનમેન્ટલ કન્ટ્રોલ એન્ડ લાઇફ સપોર્ટ સિસ્ટમ, ભારત ડોકિંગ સિસ્ટમ, ભારત બર્થીંગ મિકેનિઝમ અને ઓટોમેટેડ હેચ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે.
આ વર્ષે રાષ્ટ્રીય સ્પેસ દિવસ ‘આર્યભટ્ટ સે ગગનયાન તક’ ની થીમ સાથે ઉજવાઈ રહ્યો છે. દેશવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભૂતકાળનો આત્મવિશ્વાસ પણ છે અને ભવિષ્યનો સંકલ્પ પણ છે. ભારતના દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને ગૌરવ લેવાનો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતે હજી સ્પેસમાં ખૂબ જ કામ કરવાનું બાકી છે. ‘આજે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ તકનીકોમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ટૂંક સમયમાં આપ સૌ વૈજ્ઞાનિકોની મહેનતથી, ભારત ગગનયાન પણ ઉડાવશે અને આવનારા સમયમાં, ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. અત્યારે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ. હવે આપણે અંતરિક્ષના તે ભાગોમાં તપાસ કરવાની છે, જ્યાં માનવતાના ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ રહસ્યો છુપાયેલા છે’.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક નવા સીમાચિહ્નો બનાવવા એ ભારત અને તેના વૈજ્ઞાનિકોનો સ્વભાવ બની ગયો છે. બે વર્ષ પહેલાં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઇતિહાસ રચનાર પ્રથમ દેશ બન્યો. આપણે અંતરિક્ષમાં ડોકિંગ-અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ પણ બન્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, ‘ગ્રુપ કેપ્ટન શુભાંશુ સાથેની મારી ચર્ચામાં, મેં નવા ભારતના યુવાનોની અપાર હિંમત અને અનંત સપના જોયા છે. આ સપનાઓને આગળ વધારવા માટે અમે ભારતનો ‘અંતરિક્ષ યાત્રી પૂલ’ પણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આજે, અંતરિક્ષ દિવસ પર હું મારા યુવા મિત્રોને ભારતના સપનાઓને પાંખો આપવા માટે આ અંતરિક્ષયાત્રી પૂલમાં જોડાવા આમંત્રણ આપું છું.
