Paris Paralympicsમાં ભારતની સોનેરી શરૂઆત : શૂટર અવનીએ ગોલ્ડ મેડલ અને મોના અગ્રવાલે જીત્યો બ્રોન્ઝ મેડલ
પેરિસ પેરાઓલમ્પિકમાં ભારતની સોનેરી શરૂઆત થઈ છે. ભારતીય શૂટર અવની લેખારાએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ સાથે ભારતનું ખાતું ખૂલ્યું છે. ભારત પાસે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ છે.
આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા
22 વર્ષની અવનીએ ફાઇનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ 228.7 પોઈન્ટ મેળવ્યા હતા. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સ (2020)માં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલે કે તેણે પોતાના ટાઇટલનો બચાવ કર્યો છે.
આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાના લી યુનરીએ સિલ્વર મેડલ જીત્યો હતો. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવની પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. તે પેરાલિમ્પિક ગેમ્સમાં બેક ટુ બેક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ પણ છે.
અવની લેખારા ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલી દેશબંધુ મોના અગ્રવાલે પણ પાંચમું સ્થાન મેળવીને આઠ શૂટર્સની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન અવનીએ 625.8નો સ્કોર કર્યો હતો અને તે ઈરિના શેટનિકથી પાછળ હતી. ઈરિનાએ પેરાલિમ્પિક ક્વોલિફિકેશન રાઉન્ડમાં 627.5ના સ્કોર સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો.
SH1 શ્રેણી શું છે?
બે વખતની વર્લ્ડ કપ સુવર્ણ ચંદ્રક વિજેતા મોનાએ તેની પ્રથમ પેરાલિમ્પિક્સમાં ભાગ લેતાં 623.1નો સ્કોર કર્યો હતો. ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અવની દેશની સૌથી વધુ હેડલાઈન મેળવનારી પેરા એથ્લેટ બની હતી. અવની કાર અકસ્માતમાં તેના શરીરના નીચેના ભાગે ગંભીર ઈજા પામ્યા બાદ વ્હીલચેરનો ઉપયોગ કરે છે. શૂટિંગમાં, SH1 કેટેગરીમાં એવા શૂટર્સનો સમાવેશ થાય છે જેમણે તેમના હાથ, નીચેના ધડ, પગની હિલચાલને અસર કરી હોય અથવા તેમના હાથ અથવા પગમાં કોઈ ખામી હોય.