રાજકોટમાં વેપારીએ ભૂલથી તિજોરી ખુલ્લી રાખી’ને કારીગર રૂા.36 લાખનું સોનુ લઇ ગયો: નોકરીએ રહ્યાના ચોથા દિવસેજ બંગાળી કારીગરએ ‘કળા’ કરી
રાજકોટના સોની બજારમાં સપ્તાહમાં બે કે ત્રણ વખત બંગાળી કારીગરો દ્વારા વેપારીને લાખો રૂપિયાનો ધૂંબો મારવામાં આવી રહ્યાની ફરિયાદ નોંધાતી જ રહે છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. વેપારીએ ભૂલથી તિજોરી ખુલ્લી રાખી દેતા આ ભૂલ તેમને 36 લાખમાં પડી હતી. ચાર મહિનાથી કળા કરી જનારા કારીગરને શોધ્યો છતાં ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે સોની બજારમાં દરબારગઢ ચોક પાસે ઘેલા રામજીની શેરીમાં `માધવ’ મકાનમાં રહેતા અને ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર સોનાના દાગીના બનાવવાનું કામ કરતા કલ્પેશ મથુરભાઈ કાતરિયા (ઉ.વ.34)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે 12 વર્ષ પહેલાં જ્યારે સુરત ખાતે અમર જ્વેલર્સમાં નોકરી કરતો હતો ત્યારે તેનો સંપર્ક પશ્ચિમ બંગાળના હુગલીમાં રહેતા અક્ષય બાઉળી સાથે થયો હતો. સુરતથી રાજકોટ આવીને કલ્પેશે નવેક વર્ષથી પોતાના ઘરે ગ્રાઉન્ડ ફ્લોરમાં સોનાના દાગીના બનાવવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન ગત 1-10-2025ના અક્ષય બાઉળી કલ્પેશના કારખાને આવ્યો હતો અને પોતાને નોકરીએ રાખવાનું કહેતાં તેને કામ પર રાખ્યો હતો. જો કે 4-10-2025ના કલ્પેશને પત્નીનો નાસ્તો કરવા આવવાનો ફોન આવતાં જ તે નાસ્તો કરવા ઘરમાં ગયો હતો. આ પછી ઘરની બેલ વાગતાં કલ્પેશના પત્નીએ નીચે જઈ દરવાજો ખોલ્યો હતો અને ફરી ઉપર આવી કલ્પેશને કહ્યું હતું કે કારીગર અક્ષય બાઉળી આવ્યો છે. આ સાંભળી કલ્પેશને યાદ આવ્યું હતું કે તે કારખાનામાં રાખેલી તિજોરીની ચાવી તેમાં જ ભૂલી આવ્યો હોવાથી તે તુરંત કારખાનામાં ગયો હતો પરંતુ ત્યાં રાખેલી 36,51,516ની કિંમતનું સોનુ કે અક્ષય જોવા ન મળતાં ત્રણ મહિના સુધી તેની શોધખોળ કરી હતી પરંતુ ન મળતાં આખરે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
