હૉકીમાં હરમનપ્રીત સિંહ દુનિયાનો શ્રેષ્ઠ ખેલાડી, શ્રીજેશ શ્રેષ્ઠ ગોલકિપર : બન્નેને ઓમાનમાં મળ્યું દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન
ભારતીય પુરુષ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને દિગ્ગજ ગોલકિપર પી.આર.શ્રીજેશે વર્ષ ૨૦૨૪ માટે ક્રમશ: એફઆઈએચ પ્લેયર ઑફ ધ યર અને ગોલકિપર ઑફ ધ યરનો એવોર્ડ હાંસલ કર્યો હતો. બન્નેને ઓમાનમાં ૪૯મી એફઆઈએચ કોંગ્રેસ દરમિયાન આ સન્માન મળ્યું હતું. હરમનપ્રીતે આ એવોર્ડ જીતવા માટે નેધરલેન્ડના જોએપ ડી મોલ અને થિયરી બ્રિન્કમેન, જર્મનીના હેન્સ મુલર અને ઈંગ્લેન્ડના જૈક વાલેસને પાછળ છોડ્યા હતા.
ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં સૌથી વધુ ૧૦ ગોલ કર્યા હતા. તેણે ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલમાં ગોલ કરવા ઉપરાંત સ્પેન વિરુદ્ધ બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત વતી બે ગોલ કર્યા હતા. ભારતે આ મેચ ૨-૧થી જીતીને ઓલિમ્પિકમાં સળંગ બીજી વખત મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિક બાદ સંન્યાસ લેનારા શ્રીજેશે ગોલકિપર કેટેગરીમાં એવોર્ડ મેળવવા માટે નેધરલેન્ડના પિરમિન બ્લેક, સ્પેનના લુઈસ કૈલજાડો, જર્મનીના જીન પૉલ ડેનેબર્ગ અને આર્જેન્ટીનાના ટોમસ સેન્ટિયાગોને પાછળ છોડ્યા હતા.
હરમનપ્રીતે અગાઉ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં પણ એફઆઈએચ પ્લેયર ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યો હતો પરંતુ ત્રીજો એવોર્ડ એટલા માટે મહત્ત્વનો છે કેમ કે ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ તેણે આ એવોર્ડ હાંસલ કર્યા છે. કેપ્ટન તરીકે આ તેનું પહેલું સન્માન હતું. જ્યારે શ્રીજેશ પણ ત્રીજી વખત વર્ષનો સર્વશ્રેષ્ઠ ગોલકિપર રહ્યો હતો.
અન્ય એવોર્ડના વિજેતા