`રૂડા’ હસ્તકની વીર સાવરકર ટાઉનશિપના રહેવાસીઓનું કચેરીમાં હલ્લાબોલ: રસ્તા-પાણીની સગવડ જ ન મળી રહી હોય મોટી સંખ્યામાં પરિવારોને પડતી હેરાનગતિ
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા કોઈ આવાસ યોજના તૈયાર કરવામાં આવી હોય અને તેમાં રહેવા ગયા બાદ કોઈ મુશ્કેલી ન સર્જાય તો જ નવાઈ પામવા જેવું ! આવી જ એક વીર સાવરકર ટાઉનશિપ આવાસ યોજના કે જે રૂડા દ્વારા તૈયાર કરવામાં આવી છે જ્યાં હજુ સુધી રસ્તા અને પાણીની પૂરતી સગવડ મળી રહી ન હોય મોટી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓએ રૂડા કચેરીએ ધસી આવી હલ્લાબોલ કરતાં તંત્રને ઢંઢોળ્યું હતું.
આ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં રહેતા પરિવારોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આવાસ ફાળવાયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અમને પ્રાથમિક કહી શકાય તેવી સગવડ પણ તંત્ર આપી શક્યું નથી ત્યારે જો અમને આ સગવડ ન મળે તેમ હોય તો પછી અમારે આવાસની કશી જ જરૂર નથી અને અમે આવાસ પરત આપવા માટે તૈયાર છીએ. આમ કહીને અમુક પરિવારોએ પોતાના આવાસની ચાવી પણ જમીન ઉપર મુકી દીધી હતી. જો કે રજૂઆત વખતે કોઈ અધિકારી તેમને મળ્યા હોવાનું ધ્યાન પર આવ્યું નથી પરંતુ સ્થિતિ બગડે નહીં તે માટે પ્ર.નગર પોલીસને કચેરીમાં તૈનાત રખાઈ હતી.