આયુષ્માન યોજનાની લિમિટથી વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચૂકવાશે રકમ: અમિત શાહ
ગીર સોમનાથના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ સભામાં કરી જાહેરાત
કેન્દ્ર સરકારે નાગરિકો માટે આરોગ્યની કલ્યાણકારી એવી પ્રધાનમંત્રી આયુષમાન યોજના શરૂ કરી છે ત્યારે આ યોજના અંગે ગીર-સોમનાથના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવી જાહેરાત કરી છે કે યોજનામાં નિયત કરતાં વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહતફંડમાંથી ચૂકવવામા આવશે.
ગીર-સોમનાથ અને જુનાગઢના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થયા હતા. આ તકે યોજાયેલા સભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ મફત તબીબી સારવારની લિમિટ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. જ્યારે તબીબી સારવારનો ખર્ચ તેનાથી પણ વધારે આવે તો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવશે.
ભારતનો દરેક નાગરિક સ્વસ્થ હશે ત્યારે જ ભારત વિકસિત બની શકશે. વધુમાં એમણે કહ્યું હતું કે, આ યાત્રાનો હેતુ માત્ર સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો નથી પરંતુ ભારતના કરોડો લોકો આત્મનિર્ભર બને અને શિક્ષણનો વ્યાપ વધે તેમજ 2047 સુધીમાં ભારત વાસ્તવમાં વિકસિત રાષ્ટ્ર બને તેવો છે.