એડિલેડ ટેસ્ટ બાદ ICC એક્શનમાં : મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડને થઈ શકે છે સજા, જાણો શું છે સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં બંને ટીમોના પ્રદર્શન સિવાય ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ વચ્ચેની બોલાચાલીને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. મેદાનમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અંગે ઘણા દિગ્ગજોના નિવેદનો પણ સામે આવ્યા છે. હવે એવું લાગી રહ્યું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ મામલે કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયન મીડિયાનો મોટો દાવો
ઓસ્ટ્રેલિયન મીડિયાએ દાવો કર્યો છે કે સિરાજ અને હેડને એકબીજા સાથે અથડામણ માટે ICCની આચાર સંહિતા હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ માટે તેને સજા થશે તે નિશ્ચિત છે. ‘ડેઇલી ટેલિગ્રાફ’ અને ‘કોડ સ્પોર્ટ્સ’ સહિત અનેક અહેવાલોમાં જણાવાયું છે કે સોમવારે શિસ્તભંગની સુનાવણી બાદ સિરાજ અને હેડને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ બંને ખેલાડીઓને તેમના અગાઉના સારા રેકોર્ડના કારણે સસ્પેન્શનનો સામનો કરવાને બદલે માત્ર દંડ અથવા ઠપકોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
હેડ અને સિરાજ વચ્ચે શું થયું ?
મેચના બીજા દિવસે હેડ અને સિરાજ વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે હેડ 140 રન બનાવીને સિરાજના હાથે બોલ્ડ થયો ત્યારે બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડે કહ્યું કે તેણે સિરાજની બોલિંગની પ્રશંસા કરી હતી પરંતુ ભારતીય બોલરે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બેટ્સમેને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચેના મુકાબલો બાદ દર્શકોએ સિરાજને બૂમ પાડી હતી.
શિસ્તભંગની કાર્યવાહી થશે !
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ વખતે 82માં ઓવર વખતે આ ઘટના બની હતી. જેમાં સિરાજને હેડને આઉટ કર્યા બાદ આક્રમક રીતે સ્ટેન્ડ તરફ ઈશારો કરતાં હેડને જોરદાર વિદાય આપી હતી. અને સામે હેડે પણ કંઈક જવાબ આપ્યો હતો. ડેલી ટેલીગ્રાફની રિપોર્ટ પ્રમાણે મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ બંને પર મેદાનમાં થયેલી ઘટના માટે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. જો કે તેમના પર કોઈ પ્રતિબંધની સંભાવના નથી. કારણ કે આવી ઘટનાઓ માટે સામાન્ય રીતે હળવી સજા મળે છે.
તેમણે કંઈક અલગ સાંભળ્યું – ટ્રેવિડ હેડ
આ ઘટનાને લઈને બંને ખેલાડીઓ પોતાનો પક્ષ મુકી ચુક્યા છે. મેચના બીજા દિવસે રમત શરુ થતાં પહેલા ટ્રેવિડ હેડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે મેં મજાકમાં માત્ર સારી બોલિંગ એવું બોલ્યો હતો. પરંતુ તેમણે કંઈક અલગ સાંભળ્યું. અને મને જવા માટેનો ઈશારો કર્યો. મારી પણ પ્રતિક્રિયા હતી, પરંતુ હું આના પર વધારે વાત નહિ કરું.
મેં તો માત્ર ઉજવણી કરી – મોહમ્મદ સિરાજ
જો કે આ મામલે મોહમ્મદ સિરાજે ટ્રેવિસ ટ્રેડને આ નિવેદનને ખોટું ઠરાવતા કહ્યું કે મેચના ત્રીજા દિવસે રમત શરૂ થતાં પહેલા હરભજનસિંહે સાથે વાત કરતાં સ્ટાર સ્પોર્ટસને કહ્યું કે મેં માત્ર ઉજવણી કરી અને કંઈ શબ્દો બોલ્યો નથી. અમે દરેક લોકોનું સન્માન કરીએ છીએ. હું દરેક લોકોનું સન્માન કરું છું. કારણ કે આ એક જેન્ટલેમેન ગેમ છે. પરંતુ તેમની જે રીત હતી, તે ખોટી હતી અને મને તે ન ગમી એટલે મેં એવું કહ્યું.
મેચમાં શું થયું ?
કાંગારૂ ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું. રવિવારે (8 ડિસેમ્બર) મેચના ત્રીજા દિવસે, ભારત તેની બીજી ઇનિંગમાં 175 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેણે બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 22 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ પહેલા ભારતે 180 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમના આ વિજયથી શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી.