રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલી ફરિયાદ અને સંકલન બેઠકમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રશ્નોનો મારો ચલાવી તંત્રની જ પોલ છતી કરી હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે શાપર-વેરાવળના દબાણોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તો રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતા શાહે લોકમેળાનું સ્થળ બદલવાનો પોતાનો જૂનો પ્રશ્ન ઉઠાવી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સુવિધાઓ ખૂટતી હોવાનો આરોપ લગાવી સુવિધા વધારવા માંગણી કરી હતી.
ફરિયાદ સંકલન બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ શાપર વેરાવળ ખાતેના વોકળા પરના દબાણ તેમજ જર્જરિત બિલ્ડીંગો ડીસમેન્ટલ કરવા, ધોરીમાર્ગો પર જોવા મળતા ટ્રાફિક સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. જયારે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે લોકમેળાનું સ્થળ બદલવાના સર્વેની કામગીરી ઝડપી કરવા, શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ડિટેઈન કરવા, આઈ.ટી. પાર્ક બનાવવા તેમજ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મૂળભૂત સુવિધાઓ વધારવા બાબતે માંગણી કરી હતી.
બેઠકમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પદ્મકુંવરબા હોસ્પિટલના કેમ્પસની સફાઈ અને એમએસએમઈ વિભાગ અંગે રજૂઆત કરી હતી. આ તમામ પ્રશ્નો| અંગે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિદ, ડીસીપી જગદીશ બંગારવા, પ્રાંત અધિકારી નાગાજણ તરખલા, વિમલ ચક્રવર્તી, રાહુલ ગમારા અને ચાંદની પરમાર હાજર રહ્યા હતા.