2020 થી અત્યાર સુધી દેશમાં કેટલી ટેક્સ ચોરી પકડાઈ ? જુઓ
- જીએસટી : દેશમાં સાડાત્રણ વર્ષમાં રૂપિયા 1.2 લાખ કરોડની કરચોરી પકડાઈ
- 2020 થી અત્યાર સુધીમાં 59000 બોગસ કંપનીઓ ઝડપાઇ; દેશમાં ચાલ્યું જીએસટી ઇન્ટેલિજન્સનું અભિયાન
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
દેશમાં 1 જુલાઈ, 2017ના રોજ દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો.જો કે તેમાં બેફામ ટેક્સ ચોરી થઈ રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સએ 2020 થી અત્યાર સુધીમાં 1.2 લાખ કરોડ રૂપિયાની કરચોરી શોધી કાઢી છે. આ ઉપરાંત 59,000 નકલી કંપનીઓ પણ ઝડપાઈ છે અને તેની સામે તપાસ ચાલી રહી છે.
ડીજીજીઆઈએ ઈનપુટ ક્રેડિટ ટેક્સનો લાભ લઈને છેતરપિંડી કરતા 170 લોકોને પણ પકડ્યા છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરચોરી કરનારાઓને ઓળખવા અને તેમના માસ્ટરમાઇન્ડ્સને પકડવા માટે દેશભરમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સમગ્ર દેશમાં નકલી જીએસટી નોંધણીઓને શોધવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે.
બે મહિના સુધી ચાલેલા આ અભિયાનની શરૂઆત 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. તેના ઉદ્દેશ્યમાં શંકાસ્પદ અને નકલી જીએસટીનને ઓળખવા, કંપનીઓનું વેરિફિકેશન અને ઇકોસિસ્ટમમાંથી નકલી બિલ ચૂકવનારાઓને દૂર કરવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જીએસટી એન્ફોર્સમેન્ટ ચીફની નેશનલ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે પાલન ક્રિયાઓ અને વ્યવસાય કરવાની સરળતા વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે. તેમણે કહ્યું કે નકલી નોંધણી વિરુદ્ધ ચાલી રહેલા વિશેષ અભિયાનમાં નકલી આઈટીસીના માસ્ટર માઈન્ડ અને લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે જીએસટી રિટર્નમાં તાજેતરમાં લાગુ કરાયેલા ફેરફારો ચોરીને શોધવામાં મદદ કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન સંજય અગ્રવાલે જીએસટી સિસ્ટમના વધુ સારા અમલીકરણની ખાતરી કરવા માટે એન્ફોર્સમેન્ટ એજન્સીઓને ટેક્સ ચોરી કરનારાઓથી આગળ રહેવા હાકલ કરી હતી.