આજથી બરોબર 78 વર્ષ પહેલાં 15 ઓગસ્ટની મધરાત્રે સૂરજ ઊગ્યો હતો.સદીઓ જૂની ઘર કરી ગયેલી ગુલામીના કાળા અંધકારને ભેદીને સ્વાતંત્ર્યનો ઝળહળતો ઉજાસ પાથરતા સૂર્યનો ઉદય થયો હતો.આ દેશ હવે આપણો હતો. આપણો એટલે મા ભારતીની કૂખે જન્મેલા એક એક નાગરિકોનો.ભારત આખું તે રાત્રે જાગ્યું હતું.આઝાદીના જશનમાં ડૂબી ગયું હતું. સદીઓની ગુલામી,શોષણ,અત્યાચારો, અન્યાયો,અપમાનોમાંથી મુક્તિ મળી હતી. હવે આ ભારતની ભૂમિ અને આકાશ આપણા પોતાના હતા. હવે આ દેશમાં તેની દબાયેલી,કચડાયેલી,ગૂંગળાયેલી પ્રજાનો અવાજ સંભળાવાનો હતો. હવે પ્રજાનું શાસન આવવાનું હતું. હવે ન્યાય મળવાનો હતો. હવે પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર હતો.
1947ની ચૌદમી ઓગસ્ટની મધરાતે પંડિત જવાહરલાલ નેહરુનો બુલંદ,ઘૂંટાયેલો અવાજ આખું ભારત અને આખી દુનિયા સાંભળી રહી હતી. “કેટલાય વર્ષો પહેલાં આપણે ભાગ્યને બદલવાનો પ્રયાસ કર્યો હતો.અને હવે એ સમય આવી ગયો છે જ્યારે આપણે આપણી એ પ્રતિજ્ઞાથી મુક્ત થઈ જશું…આજે જ્યારે આખી દુનિયા સૂઇ ગઈ હશે ત્યારે ભારત સ્વતંત્ર જીવન સાથે નવી શરૂઆત કરશે. આ એવો સમય છે જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. જુનામાંથી નવા તરફ જવાનું.એક યુગનો અંત આવવો. જ્યારે વર્ષોથી શોષિત આ દેશનો આત્મા પોતાની વાત કહી શકસે.
આજે એ સમય આવી ગયો છે જેને વિધાતાએ નક્કી કર્યો હતો અને એક વખત ફરી વર્ષોના સંઘર્ષ બાદ ભારત જાગૃત અને આઝાદ ઉભો છે…એક નવા તારાનો ઉદય થયો છે. પૂર્વમાં આઝાદીનો સિતારો.એક નવી ઉમ્મીદનો જન્મ થયો છે. કાશ,આ તારો કદી અસ્ત ન પામે.આ ઉમ્મીદ કદી ધુમિલ ન થાય. આપણે આ આઝાદીમાં સદા ખુશ રહીએ. અવનારું ભવિષ્ય આપણને બોલાવી રહ્યું છે..””ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની” નામે ઓળખાતું આ ભાષણ અમર થઈ ગયું છે. આજે આઝાદીનો પ્રથમ શ્વાસ લીધાને 77 વર્ષ પૂરા થાય છે.તિરંગો ઘરે ઘરે શાનથી લહેરાઈ રહ્યો છે. ભવ્ય છે આપણો આ દેશ. વિશ્વને વેદ અને ઉપનિષદની અને ધ્યાન અને યોગની ભેટ આ દેશે આપી છે. રામ અને કૃષ્ણ,બુદ્ધ અને મહાવીર અને ગાંધી અને ટાગોરની આ ભૂમિ છે. આજે એની યશોગાથા ગાવાનું પર્વ છે.આજે એની પવિત્ર ધૂળ મસ્તક પર લગાવી નતમસ્તક થવાનો દિવસ છે. આજે 77 વર્ષની એ યાત્રા પર એક નજર નાખવાનું અને ભારતને વિકસિત શકિતશાળી રાષ્ટ્ર બનાવનાર જાણ્યા અજાણ્યા પૂર્વસુરીઓનું ઋણ સ્વીકારવાનો અવસર છે.
પાર વગરની પ્રતિકૂળતાઓ અને શૂન્યમાંથી સર્જન કરવાનો પડકાર
1947માં દેશ આઝાદ થયો ત્યારે નવી આશાઓ,અપેક્ષાઓ, અરમાનો અને સ્વપ્નો હતા પણ ભાવી રાહ આસાન નહોતો. પડકારો જાણે કે અનંત અસીમ હતા. ભાગલા સમયની હિંસાએ દેશને ધ્રુજાવી દીધો હતો. કોમવાદી લાગણી ચરમસીમા પર હતી. અનેક શહેરો કોમી હુતાષનમાં સળગી રહ્યા હતા. દેશવાસીઓ જ્યારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા હતા ત્યારે ગાંધીજી કલકત્તામાં કોમી શાંતિ માટે ઉપવાસ ઉપર બેઠા હતા.લાખો નિર્વાશ્રીતોને થાળે પાડવાનો પડકાર હતો. પ્રાંતવાદ,ભાષાવાદ અને ધર્મવાદ માથું ઊંચકવા લાગ્યા હતા.તાજા જ આઝાદ થયેલા આ દેશની તિજોરી ખાલીખમ હતી. બ્રિટિશરો બધું લૂંટી ગયા હતા. તેમણે ભારત છોડ્યું ત્યારે દેશનો વિકાસ દર વર્ષે અડધો ટકાથી પણ ઓછો હતો. ભારતને ભેટમાં પંગુ અર્થ તંત્ર મળ્યું હતું. શાસકો સામે શૂન્યમાંથી સર્જન કરવાનો પડકાર હતો. બ્રિટિશરોની ભારત વિરોધી નીતિને કારણે પરંપરાગત હેંડીક્રાફ્ટ અને અન્ય ગૃહ ઉદ્યોગો નાશ પામ્યા હતા. ટાટા સ્ટીલને બાદ કરતાં એક પણ હેવી ઇન્ડસ્ટ્રી નહોતી. મશીન ટૂલ્સનું આખા ભારતમાં ગણીને એક કારખાનું પણ નહોતું. મુંબઇ અમદાવાદની કેટલીક ટેકસટાઇલ મિલ્સ અને મહારાષ્ટ્રની સુગર ફેક્ટરીઓ પૂરતું ભારતનું ઔદ્યોગિક સામ્રાજ્ય સીમિત હતું. ટાંચણી પણ આપણે વિદેશથી મંગાવવી પડતી હતી. ભારતમાં નહોતા રસ્તાઓ,નહોતી હોસ્પિટલો,નહોતી શિક્ષણ સંસ્થાઓ. 80 ટકા કરતા વધારે વસ્તી ગામડાઓમાં રહેતી હતી અને કૃષિ આધારિત હતી. પણ સિંચાઇની વ્યવસ્થા નહોતી.1950માં આખા ભારતમાં માત્ર 300 ડેમ હતા.વારંવાર આવતા દુકાળો અને પુર હોનારતોને કારણે કૃષિ વિકાસ અવરોધાતો રહ્યો. અન્નની આયાતમાં જ ભારતનું ફોરેન રિઝર્વ ખર્ચાઈ જતું હતું. બ્રિટિશ તાજના સૌથી વધુ ચમકતાં હીરા તરીકે જેની ગણના થતી હતી એ ભારત એ સમયે વિશ્વનો સૌથી વધુ ગરીબ દેશ હતો. પણ આ મહાન દેશ ફિનિક્સ પંખીની માફક રાખમાંથી ઉભો થવાની ખુમારી અને ખમીર ધરાવતો હતો.
યોગ્ય આર્થિક નીતિએ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે સ્વાવલંબી બનવાનો પાયો નાખ્યો
1951માં સોવિયેટ યુનિયનના આર્થિક સામાજિક વિકાસના મોડેલ આધારિત પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ અને સિંચાઈ માટે મહત્તમ રકમ ફાળવવામાં આવી. ભારતનો વાર્ષિક વિકાસ દર 3.6 ટકા સુધી પહોંચવામાં સફળ રહ્યો. બીજી પંચ વર્ષીય યોજનામાં હેવી ઇન્ડસ્ટ્રી અને કેપિટલ ગુડ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. એ સાથે જ પબ્લિક સેક્ટરનો ઉદય થયો. નહેરુ સમજતા હતા કે સ્ટીલ અને પાવર વગર દેશનો વિકાસ શક્ય નથી. સરકારે એ દિશામાં પગલાં શરૂ કર્યા. હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પર 680 ફૂટનો ભાખરા નાંગલ ડેમ બન્યો. હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર થકી વીજળીનું ઉત્પાદન શરૂ થયું. ભારતે વર્ષે 6 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું લક્ષય રાખ્યું હતું. તે હાંસિલ કરવા રૂરકેલા,ભિલાઈ અને દુર્ગાપુરમાં સ્ટીલ પ્લાન્ટ નખાયા. શાસ્ત્રીજીએ વિકાસની એ યાત્રાને આગળ ધપાવી. જય જવાન જય કિસાનનો નારો આપ્યો.
ઈન્દિરાજીના સમયમાં હરિત ક્રાંતિ થઈ.અન્ન ક્ષેત્રે દેશ સ્વાવલંબી બન્યો. ગુજરાતમાં કુરિયને શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા. કો ઓપરેટિવ સેક્ટરનો ઉદય થયો. પશુપાલકો અને ખેડૂતો અર્થતંત્રમાં સીધા જ ભાગીદાર થયા.રાજીવ ગાંધીએ ટેલીકોમ્યુનિકેશન ક્રાંતિના શ્રી ગણેશ કર્યા. મારુતિ અને સુઝુકીના સંયુક્ત સાહસ થકી ઓટોમોબાઇલ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ થયો.1991માં નરસિંહ રાવ અને મનમોહનસિંહે મુક્ત વ્યાપાર માટે દરવાજા ખોલી નાખ્યા. 2007 થી 2009ના ગ્રેટ રિસેસન સમયે આખા વિશ્વનું અર્થતંત્ર ભાંગી પડ્યું હતું. ગ્લોબલ જીડીપીમાં 5.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.ત્યારે પણ ભારત એ મંદીને પચાવી ગયું. મનરેગા જેવી આર્થિક કલ્યાણકારી યોજનાને કારણે છેવાડાના ગરીબ માણસના ખીચ્ચામાં પૈસા આવવા લાગ્યા. મોદીની ઉજ્જ્વલા યોજનાએ ગામડાના અંધારા ઉલેચ્યા. શૌચાલય યોજના થકી દેશ ખુલ્લામાં શૌચકર્મમાંથી મુક્ત થયો. આવાસ યોજનાએ કરોડો બેઘર લોકોને આશિયાના આપ્યા .આયુષ્યમાન યોજનાએ આરોયગલક્ષી સેવા ક્ષેત્રે આશીર્વાદરૂપ ક્રાંતિ સર્જી.હજારો જેનરીક સ્ટોર્સને કારણે લોકોને સસ્તી દવાઓ મળવા લાગી.
બોક્સ
એક સમયનો ખાલી તિજોરીવાળા દેશની આર્થિક મહાસતા બનવા તરફ દોટ
આ યાત્રાના દરેક તબક્કે પડકારો આવતા રહ્યા છે. આતંકવાદ અને કટ્ટરવાદનું ખોફનાક સ્વરૂપ આપણે નિહાળ્યું છે. કટ્ટરવાદે ગાંધીજીનો અને આતંકવાદે ઈન્દિરાજી અને રાજીવના ભોગ લીધો. કાશ્મીર અને ખાલીસતાની આતંકવાદને પગલે દેશની અખંડિતતા પર જોખમ સર્જાયું હતું. અવિરત દુકાળો,પુર હોનારતો,ધરતીકંપો,સુનામી અને કોરોના મહામારી જેવી દુર્ઘટનાઓની કારમી થપાટો વચ્ચે તૂટતો,પડતો,આખડતો આ મહાન દેશ ઉભો થતો રહ્યો. દરેક ભૂલમાંથી આપણે સબક શીખ્યા.1962ના યુદ્ધ પછી લશ્કરનું આધુનિકરણ શરૂ થયું. જે દેશ પાસે તે સમયે ઓટોમેટિક રાઈફલો નહોતી તેણે 1974 અને 1998માં પરમાણુ પરીક્ષણો કર્યા. ચાર ચાર યુદ્ધ થયા.1971માં બાંગ્લાદેશ ને છૂટું પાડી ભારતે ઇતિહાસ સર્જ્યો.
આજે ભારતની લશ્કરી તાકાત એવી છે કે ચીનને પણ ભરી પીવા તૈયાર છે. આપણે ઘર આંગણે અગ્નિ અને પૃથ્વી જેવી અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ વિકસાવી છે.વિશ્વ સ્તરે લશ્કરી ખર્ચ કરનાર પ્રથમ પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્રે આપણે સ્વાવલંબી બન્યા છીએ.ભારત દૂધ, કઠોળ અને શણનો સૌથી મોટો ઉત્પાદક છે અને ચોખા, ઘઉં, શેરડી, મગફળી, શાકભાજી, ફળો અને કપાસનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે.એક સમયની ખાલી તિજોરી વાળો દેશ આજે પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનવા તરફ કૂચ કરી રહ્યો છે. આખા વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ છે ત્યારે અંદાજે 180 લાખ કરોડની જીડીપી સાથે સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર બની ચૂક્યું છે.ભારત આઈ ટી નું હબ છે.85 હજાર સ્ટાર્સઅપના સહારે ભારતનું અર્થતંત્ર સર્વોચ્ય શિખરો સર કરવા તરફ મક્કમપણે આગળ ધપી રહ્યું છે.78 વર્ષ પહેલાં જે દેશમાં ખીલી બનાવવાની ફેક્ટરી નહોતી એ દેશ આજે ચંદ્ર અને મંગળ સર કરી રહ્યો છે.1947માં ભારતનો સાક્ષરતા દર 12 ટકા હતો તે આજે 75 ટકા છે.ભારતની આઈ આઈ ટી, આઈ આઈ એમ અને એઇમ્સની વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં ગણતરી થાય છે.