રાજકોટમાં એક વર્ષમાં કેટલા ફાયર NOC ઈશ્યુ થયા, કેટલા નામંજૂર, કેટલા પેન્ડીંગ?
રાજકોટ મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડ મળે છે જેમાં કોર્પોરેટરો દ્વારા લોકોને સ્પર્શતા પ્રશ્નો પૂછીને અધિકારીઓ પાસેથી તેનો જવાબ માંગવામાં આવે છે. આવતાં મંગળવારે જનરલ બોર્ડ મળવાનું છે ત્યારે તેમાં ભાજપ-કોંગ્રેસના 13 કોર્પોરેટરોએ 22 પ્રશ્નો પૂછયા હતા જે પૈકી અમુક પ્રશ્ન દાદ માંગી લ્યે તેવા તો અનેક પ્રશ્નો ચવાયેલા હોવાનું લાગ્યા વગર રહેતું ન્હોતું. જો કે પાછલા જનરલ બોર્ડથી વોર્ડ નં.7ના ભાજપના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ છેલ્લે છેલ્લે એન્ટ્રી મારીને પ્રશ્ન પૂછવા માટે જાણીતા બની ગયા હોય તેવી રીતે આ વખતે પણ છેલ્લી ઘડીએ બે પ્રશ્નો મુક્યા હતા જે પ્રશ્નોત્તરીમાં સામેલ થતાં જ અધિકારીઓમાં દોડધામ થઈ પડી હતી સાથે સાથે પક્ષમાં પણ ડૉ.નેહલ શુક્લની આ `સ્ટાઈલ’ ચર્ચાની એરણે ચડી હતી !
ડૉ.નેહલ શુક્લ દ્વારા જનરલ બોર્ડમાં પૂછવામાં આવ્યું છે કે એક વર્ષ દરમિયાન મહાપાલિકા દ્વારા કેટલા ફાયર NOC ઈશ્યુ કરવામાં આવ્યા, કેટલા નામંજૂ કરાયા અને હાલ કેટલા પેન્ડીંગ છે તેનો હિસાબ માંગ્યો છે સાથે સાથે બે વર્ષ દરમિયાન 20 લાખથી વધુની કિંમતના હોય તેવા ટેન્ડરની સંખ્યા વોર્ડવાઈઝ માંગતાં અધિકારીઓ દોડતાં થઈ ગયા હતા.