સિંગાપુર સાથે વડાપ્રધાને કેટલા કરાર કર્યા ? શું કહ્યું ? જુઓ
ગુરુવારે સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, આરોગ્ય અને તબીબી ક્ષેત્રો અને શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસ પર આધારિત છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે અમે ભારતમાં અનેક સિંગાપુર બનાવવા માંગીએ છીએ.
ત્યારબાદ વડાપ્રધાને સિંગાપૂરના ટોચના બિઝનેસ લીડર્સને સંબોધન કર્યું હતું અને ભારતમાં એરપોર્ટ તથા એનર્જી સેક્ટર સહિતના અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. એમણે એવી જાણકારી પણ આપી હતી કે ભારતમાં અમે હજુ 100 નવા એરપોર્ટ બનાવવા આગળ વધી રહ્યા છીએ. સ્કિલ ડેવેલપમેન્ટ માટે પણ ભારતમાં વિશાળ તક છે. કાશીમાં રોકાણ કરવાનું એમણે ખાસ આહ્વાન કર્યું હતું.
આ બાબતે મોદીએ કહ્યું કે, ‘સિંગાપોર દરેક વિકાસશીલ દેશ માટે એક પ્રેરણા છે. અમે પણ ભારતમાં અનેક સિંગાપોર બનાવવા માંગીએ છીએ અને મને ખુશી કે છે આપણે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.’
કયા ક્ષેત્રોમાં કરાર
DPI, સાયબર-સિક્યોરિટી, 5G, સુપર-કમ્પ્યુટિંગ અને AI ટેક્નોલોજી પર એમઓયુ કરવામાં આવ્યા. તેમજ સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓ ભારતમાં રોકાણ સંબંધિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણમાં કૌશલ્ય વિકાસ માટે પણ બંને દેશો દ્વારા કરાર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિંગાપુર ભારતનું સૌથી મોટું એફડીઆઇ સ્ત્રોત રહ્યું છે અને તેની અનેક કંપનીઓનું અહીં વિવિધ ક્ષેત્રોમાં મોટું રોકાણ રહ્યું છે. સિંગાપુર ભારત સાથે અનેક સેક્ટરોમાં આગળ વધવા માંગે છે.