અંબાજીમાં પોલીસ સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ધજા ચડાવી
ભાદરવી પૂનમનાં મેળાનું સમાપન : ભાવિકો ઉમટી પડ્યા
આજે ભાદરવી પૂનમને લઈને અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાના ધામમાં પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં હર્ષ સંઘવીના હસ્તે ધજા ચઢાવાઇ હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે મા અંબાના ધામમાં લોકો દૂર દૂરથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે અને અનેક લોકોએ પગયાત્રીઓની સેવા કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે પણ ગુજરાત સરકારે ભાદરવી પૂનમ નિમીત્તે તમામ વ્યવસ્થા કરી હતી.

દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જય અંબે, બોલ માડી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આધશકિત અંબાના સદૈવ આશીર્વાદ કૃપાદ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઇભકતોને સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની કામગીરીને બિરદાવી હતી.
