બિલકિસબનો કેસ : ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટથી ઝટકો
ચુકાદામાં કોર્ટે કરેલી આકરી કોમેન્ટ હટાવવા માંગ કરતી અરજી ફગાવી
ગુજરાત સરકારને ગુરુવારે સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો હતો. આ કેસમાં દોષિતોના છૂટકારા સાથે જોડાયેલ અદાલતના આદેશમાં કરવામાં આવેલી આકરી ટિપ્પણી હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. આ મામલામાં ગુજરાત સરકારની પુનર્વિચાર અરજી અદાલતે ફગાવી દીધી હતી.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં સમય પહેલા 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કરતા ચુકાદામાં ગુજરાત સરકાર વિરુધ્ધ કેટલીક આકરી કોમેન્ટ કરાઇ હતી અને તેને અનુચિત બતાવી હટાવવાની માંગ કરાઇ હતી. આ માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એમ કહ્યું હતું કે ગુજરાતે મિલીભગતથી કામ કર્યું છે અને દોષિતો સાથે સાંઠગાંઠ કરી છે. આ કોમેન્ટ હટાવી દેવાની ગુજરાત સરકારે અરજીમાં માંગણી કરી હતી. ગુજરાત સરકારે અરજીમાં એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે આ કોમેન્ટ અનુચિત છે અને આ કેસના રેકોર્ડની વિરુધ્ધ છે. એ જ રીતે ગુજરાત સરકાર પ્રત્યે પૂર્વગ્રહ દર્શાવે છે. જો કે સુપ્રીમ કોર્ટે આ દલીલ માન્ય રાખી નથી.