છાતી પકડવી, પાયજામાની દોરી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
ઉત્તર પ્રદેશમાં એક નાની બાળકી પર હુમલાના કેસમાં, અલ્હાબાદ હાઈકોર્ટે છાતી પકડવી કે પાયજામાની દોરી તોડવી જેવી ક્રિયાઓને બળાત્કાર કે બળાત્કારના પ્રયાસ તરીકે ન ગણી શકાય તેવો ચુકાદો આપતાં ભારે વિવાદ થયો છે અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ ઉઠી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે બળાત્કારના આરોપોના કેસમાં “તૈયારીનો તબક્કો” અને “વાસ્તવિક પ્રયાસ” વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો અને એ ગુનો બળાત્કારના કેસ કરતા ઓછા ગંભીર એવો ગંભીર જાતીય હુમલાનો હોવાનું ઠેરવ્યું હતું.
કેસની વિગત એવી છે કે 2021માં ઉતર પ્રદેશના કાસગંજમાં પવન અને આકાશ નામના બે શખ્સોએ 11 વર્ષની એક બાળકીની છાતી પકડી, પાયજામા ની દોરી તોડી અને તેને એક પુલ નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.જો કે બાળકીને ચીસા ચીસ સાંભળીને રાહદારીઓ દોડી આવતા બંને આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા
પવન અને આકાશને શરૂઆતમાં ટ્રાયલ કોર્ટે બળાત્કાર અને POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ હેઠળ સમન્સ જારી કર્યા હતા. બાદમાં આરોપીઓએ ટ્રાયલ કોર્ટના સમન્સને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારતા સોમવારે જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ આરોપોને બદલીને હુમલો અથવા “કપડાં ઉતારવાના ઇરાદા સાથે ગુનાહિત બળનો ઉપયોગ” અને POCSO હેઠળ ગંભીર જાતીય હુમલો તરીકે નોંધ્યા હતા.
ચુકાદામાં ન્યાયાધીશે કહ્યું કે આરોપી પવન અને આકાશ પર લગાવેલા આરોપો અને કેસની હકીકતો ભાગ્યે જ બળાત્કારના પ્રયાસનો ગુનો રચે છે. બળાત્કારના પ્રયાસનો આરોપ સાબિત કરવા માટે, એ સ્થાપિત થવું જોઈએ કે તે તૈયારીના તબક્કાથી આગળ વધી ગયું હતું. તેમણે વધુમાં કહ્યું ,” કેસની હકીકતો પરથી પ્રથમ દૃષ્ટિએ બળાત્કારના પ્રયાસનો આરોપ આરોપી પવન અને આકાશ સામે સાબિત થતો નથી, અને તેના બદલે તેઓ IPCની કલમ 354(b) એટલે કે મહિલા પર હુમલો કે તેને નગ્ન કરવાના ઇરાદા સાથે દુર્વ્યવહાર અને POCSO એક્ટની કલમ 9 હેઠળ ગંભીર જાતીય હુમલા માટે સમન્સ માટે જવાબદાર છે”.
પીડિતા નગ્ન થઈ ગઈ હોય તેવું સાક્ષીઓએ જણાવ્યું નથી!
જસ્ટિસ મિશ્રાએ નોંધ્યું કે,”રેકોર્ડ પર એવું કોઈ સામગ્રી નથી જેનાથી એવું અનુમાન થાય કે આ પુરુષોનો બળાત્કારનો ઇરાદો હતો. આકાશ સામેનો ચોક્કસ આરોપ એ છે કે તેણે પીડિતાને નાના પુલ નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો અને તેની પાયજામાની દોરી તોડી. સાક્ષીઓએ એવું પણ નથી જણાવ્યું કે આરોપીની આ ક્રિયાથી પીડિતા નગ્ન થઈ ગઈ કે તેનાં કપડાં ઉતરી ગયાં. આરોપીએ પીડિતા સામે પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય એવો કોઈ આરોપ નથી”