અલવિદા ભારતકુમાર !! દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન : 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. શુક્રવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. સવારે લગભગ ૩.૩૦ વાગ્યે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ લાંબા સમયથી ઉંમર સંબંધિત રોગોથી પીડાતા હતા. તેમણે તેમના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મો કરી હતી, તેથી તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભારત કુમાર’ કહેતા હતા. તેઓ ક્રાંતિ અને ઉપકાર જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે પ્રખ્યાત હતા.
અભિનેતાના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે
તેમના અંતિમ સંસ્કાર શનિવારે (5એપ્રિલ) બપોરે 12 વાગ્યે મુંબઈના વિલે પાર્લેમાં કરવામાં આવશે. મનોજ કુમાના પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં રહે છે, તેથી પરિવારે શનિવારે અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું છે. મનોજ કુમારની પત્નીની તબિયત પણ સારી નથી તેવી માહિતી મળી છે. તેમના પાર્થિવ શરીરને અભિનેતાના જુહુ સ્થિત ઘરે લઈ જવામાં આવશે.
ચાહકો થયા ભાવુક
મનોજ કુમારના મૃત્યુના સમાચારથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર, દરેક વ્યક્તિ ભીની આંખો સાથે પોતાના પ્રિય કલાકારને વિદાય આપી રહ્યા છે. દિગ્ગજ અભિનેતાના નિધન પર સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો છે. મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂર્વા ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાઝ સુનો, નીલ કમલ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મનોજ કુમારની સફર કેવી રહી ?
મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તેમનું સાચું નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું. મનોજ કુમારનો જન્મ એબોટાબાદ (હવે પાકિસ્તાન) માં થયો હતો. દેશના ભાગલા સમયે તેમનો પરિવાર દિલ્હી આવ્યો. બાળપણથી જ તેમને સિનેમાનો ખૂબ શોખ હતો. તેને ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો. તેમણે પોતાનું નામ શબનમ ફિલ્મમાં દિલીપ કુમારના પાત્ર મનોજ કુમારના નામ પરથી રાખ્યું હતું.
આ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું પરિવર્તન હતું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે તેમાં સંપૂર્ણપણે અનુકૂલન સાધી લેતો. મનોજ કુમારની ફિલ્મો માત્ર હિટ જ નહોતી, પરંતુ તેમના ગીતો પણ લોકોમાં લોકપ્રિય બન્યા હતા. તેમની ફિલ્મ ઉપકારનું ગીત ‘મેરે દેશ કી ધરતી’ લોકોને આજે પણ યાદ છે. મનોજ કુમારને ફિલ્મ ‘ઉપકાર’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Deeply saddened by the passing of legendary actor and filmmaker Shri Manoj Kumar Ji. He was an icon of Indian cinema, who was particularly remembered for his patriotic zeal, which was also reflected in his films. Manoj Ji's works ignited a spirit of national pride and will… pic.twitter.com/f8pYqOxol3
— Narendra Modi (@narendramodi) April 4, 2025
મનોજ કુમારના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું: ‘મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા જેમને ખાસ કરીને તેમના દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવશે. તેમની ફિલ્મોમાં દેશભક્તિ પ્રતિબિંબિત થતી હતી. તેમના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના વધારી છે. તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.
અશોક પંડિતે શું કહ્યું ?
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મનોજ કુમાર અમારા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સિંહ હતા. તે હવે આપણી વચ્ચે નથી. આ આપણા સમગ્ર ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. આપણે હંમેશા તેમને યાદ રાખીશું.
મનોજ કુમાર જ્યારે ફિલ્મ જગતને અલવિદા કહ્યું
1995માં આવેલી ફિલ્મ ‘મૈદાન-એ-જંગ’માં કામ કર્યા પછી મનોજ કુમારે અભિનય છોડી દીધો. 1999માં, તેમણે તેમના પુત્ર કુણાલ ગોસ્વામીને ‘જય હિંદ’ ફિલ્મમાં દિગ્દર્શિત કર્યા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધા પછી, મનોજ કુમારે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2004માં ભાજપમાં જોડાયા હતા.