પ્રથમવાર અમૃતસરના સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમ થશે તૈનાત : આર્મી ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલની જાહેરાત
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતની મજબૂત એર ડીફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુવર્ણ મંદિરમાં પહેલી વાર એર ડીફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી, સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ પહેલીવાર સેનાને મંદિર પરિસરમાં શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી આપી છે.
એર ડિફેન્સના આર્મી ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ કહ્યું કે ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે સુવર્ણ મંદિરની લાઈટો બંધ કરવામાં આવી હોય. આ દુશ્મનના ડ્રોનને સચોટ રીતે ટ્રેક કરવા અને તેમને નષ્ટ કરવા માટે આ રસ્તો અપનાવવામાં આવ્યો હતો. આનાથી સેનાને ડ્રોન ઓળખવામાં અને તેમને સરળતાથી નિશાન બનાવવામાં મદદ મળી.
સુવર્ણ મંદિરના ગ્રંથી કહે છે, આ વાત ખોટી છે
સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ સૈન્ય અધિકારીના આ દાવાનું ખંડન કર્યું છે. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં, શ્રી હરમંદિર સાહિબના મુખ્ય ગ્રંથિ જ્ઞાની રઘબીર સિંહે સ્પષ્ટતા કરી કે તેઓ આર્મી ઓપરેશન દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર હતા પરંતુ બંદૂકો તૈનાત કરવા અંગે તેમની સાથે કોઈ ચર્ચા થઈ ન હતી. શ્રી દરબાર સાહિબમાં પણ આવી કોઈ ઘટના બની નથી. તેમણે લશ્કરી અધિકારીના નિવેદનને “આઘાતજનક જૂઠાણું” ગણાવ્યું.