સાયબર ફ્રોડ રોકવા ‘ઈ-ઝીરો એફઆઈઆર’ સિસ્ટમ લાગુ થશે
તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે થશે ચર્ચા
દેશભરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ, ઓનલાઈન આર્થિક છેતરપિંડી અને ‘ડિજિટલ ધરપકડ’ જેવા ગંભીર મામલાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ‘પ્રગતિ’ બેઠકમાં દેશના નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને સાયબર ગુનેગારો પર ગાળિયો કસવા માટે સમગ્ર દેશમાં ‘ઈ-ઝીરો એફઆઈઆર’ ની વ્યવસ્થા ઝડપથી અને અસરકારક રીતે લાગુ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય હેતુ દેશની ડિજિટલ સુરક્ષા પ્રણાલીને વધુ કડક અને ગતિશીલ બનાવવાનો હતો. પીએમ મોદીએ કેન્દ્રીય અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ આ મામલે દરેક રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે તાત્કાલિક વિસ્તૃત ચર્ચા કરે, જેથી આખા દેશમાં ‘ઈ-ઝીરો એફઆઈઆર’ ની પ્રક્રિયાને ઝડપથી જમીની સ્તરે ઉતારી શકાય. આ વ્યવસ્થાથી સામાન્ય જનતાને સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે.
આ પણ વાંચો: ૯ દાયકામાં ભૂકંપે ૫.૬૪ લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ‘ભારતીય સાયબર ગુના સમન્વય કેન્દ્ર’ દ્વારા આ નવી e-Zero FIR પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, જ્યારે કોઈ નાગરિક સાથે મોટી સાયબર નાણાકીય છેતરપિંડી થાય છે અને તેની ફરિયાદ ઓનલાઈન નોંધાય છે, ત્યારે તે ફરિયાદ વેરિફાય થયા બાદ ઓટોમેટિકલી ‘ઝીરો એફઆઈઆર’ માં ફેરવાઈ જશે. આનાથી પીડિતોને ન્યાયિક અને ભૌગોલિક અધિકારક્ષેત્રની કાનૂની અડચણોમાંથી મુક્તિ મળશે અને બેંકો તેમજ તપાસ એજન્સીઓ છેતરપિંડીના નાણાકીય વ્યવહારોને તાત્કાલિક બ્લોક (અટકાવી) શકશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ નિર્દોષ નાગરિકોને છેતરવા માટે ડિજિટલ પ્લેટફોર્મના વધી રહેલા દુરુપયોગ પર ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા સંવેદનશીલ કેસોમાં તમામ સંબંધિત એજન્સીઓએ પરસ્પર તાલમેલ સાધીને સમયબદ્ધ રીતે ત્વરિત કાર્યવાહી કરવી પડશે. વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સ્પષ્ટ જવાબદારી લેવા, કાયદા અમલીકરણ એજન્સીઓ, બેંકો અને સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ્સ વચ્ચે બહેતર સંકલન સ્થાપિત કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે જેથી ગુનેગારો ડિજિટલ પુરાવાઓ ભૂંસી નાખે તે પહેલાં જ તેમને પકડી શકાય.
