‘ The Diary of West Bengal ‘ ફિલ્મને લઈ વિવાદ : જાણો શું છે સમગ્ર મામલો ? પશ્ચિમ બંગાળમાં કેમ ન થઈ રીલીઝ ?
બાંગ્લાદેશના યુદ્ધ સમયે ભારત આવેલી હિન્દુ મહિલાના જીવન,શોષણ અને સંઘર્ષ પર આધારિત ‘ ધ ડાયરી ઓફ વેસ્ટ બેંગાલ ‘ ફિલ્મને કારણે જબરો વિવાદ થયો છે. આ ફિલ્મ દ્વારા બંગાળનું અપમાન કરાયું હોવાનો તેમજ ફિલ્મની પટકથા અને દ્રશ્યોને કારણે કોમી વૈમન્સય સર્જવાનો ખતરો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ શુક્રવારે દેશના 600 થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી પરંતુ વેસ્ટ બંગાળમાં એક પણ થિયેટર માલિક તેનું પ્રસારણ કરવા આગળ ન આવતા રાજ્યમાં એક પણ શો થઈ શક્યો નહોતો.
આ ફિલ્મમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સાથે તેનું પ્રસારણ રોકવા માટે કોલકાતા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી પરંતુ અદાલતે લોકશાહીમાં કોઈપણ તંદુરસ્ત ટીકાને રોકી ન શકાય તેમ જણાવી એ અરજી ફગાવી દીધી હતી.
કોલકાતા હાઇકોર્ટની લીલી ઝંડી આપ્યા બાદ શુક્રવારે મુંબઈ અને દિલ્હી સહિત દેશના 600 સિનેમા હોલમાં તેનું પ્રસારણ થયું હતું. જો કે જે રાજ્ય ઉપર આ ફિલ્મ બની છે ત્યાં જ તેનો એક પણ શો થઈ શક્યો નહોતો. ફિલ્મના ડાયરેક્ટર સંજોન મિશ્રાએ ડરને કારણે પશ્ચિમ બંગાળના એક પણ થિયેટર માલિક સહકાર ન આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
નોંધનીય છે કે મેં 2023 માં આ ફિલ્મનું ટ્રેલર youtube ઉપર રજૂ થયા બાદ એ ફિલ્મમાં કોમી ઉશ્કેરણી થાય તેવો મસાલો હોવાનું જણાવી કોલકત્તા પોલીસે ડાયરેક્ટર સંજોન મિશ્રાને નોટિસ પાઠવી હતી. પોલીસ તેમની પર પગલાં લેશે એવા ભયને કારણે મિશ્રા થોડો સમય વારાણસી ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મમતા સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ ઉપર પણ પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સમગ્ર રાજ્યમાં માર્કેટ એકમાત્ર બોનગાઓન ગામમાં જ એક થિયેટર માલિકે તેનું પ્રસારણ કર્યું હતું. ધી ડાયરી ઓફ વેસ્ટ બેંગાલ ફિલ્મ મલીન રાજકીય હેતુસર બનાવવામાં આવ્યો હોવાનો ટીએમસી ના ટોચના નેતાઓ આક્ષેપ કરતા રહ્યા છે.
કેમ થયો છે વિવાદ?
આ ફિલ્મની પટકથા વિવાદમાં છે.1971 માં બાંગ્લાદેશમાં થયેલા હિન્દુઓના નરસંહાર સમયે પતિની હત્યા થયા બાદ સુહાસની નામની હિન્દુ વિધવા અન્ય વિધવાઓ સાથે બાંગ્લાદેશથી ભાગીને પશ્ચિમ બંગાળ આવે છે. રસ્તામાં તેની સાથે રહેલા અનેક લોકો મૃત્યુ પામે છે. સુહાસીની કોલકત્તા આવ્યા બાદ લવ જીહદનો ભોગ બને છે. તેની સાથે ધાર્મિક ભેદભાવ રાખવામાં આવે છે. ફિલ્મમાં દર્શાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ સરકાર વિદેશી નાગરિકોનો વોટબેંક તરીકે ઉપયોગ કરે છે. આ શોષણ અને અન્યાય સામે સુહાસીની કેન્દ્ર સરકાર અને માનવ અધિકાર સંગઠનો સુધી રજૂઆત કરે છે.આ હેતુના કેન્દ્રસ્થ વિષય સાથે બનેલી આ ફિલ્મ માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારને બદનામ કરવા તથા લવ જિહાદ જેવા મુદ્દાઓ ઉછાળી અને સમાજના ભાગલા પાળવાના હેતુથી જ બની હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.