દિલ્હીમાં પરાજયનું ઠીકરું કોંગ્રેસે આમ આદમી પાર્ટીના માથે ફોડ્યું
‘આપ’ના કાર્યકરોએ સહકાર ન આપ્યો હોવાનો આક્ષેપ
લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની ત્રણ બેઠકો પર મળેલા પરાજય માટે આમ આદમી પાર્ટીનો અસહકાર કારણભૂત હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ દિલ્હીની સાતમાંથી ચાર બેઠકો પર આમ આદમી પાર્ટીના અને ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા અને ઇન્ડિયા ગઠબંધને એ તમામ સાત બેઠકો ગુમાવી હતી.
આ પરિણામના કારણો ચકાસવા માટે કોંગ્રેસે નિમેલી બે સભ્યોની કમિટીએ મોવડી મંડળને આપેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય, કોર્પોરેટર કે કાર્યકરે કોંગ્રેસના ઉમેદવારો માટે અસરકારક પ્રચાર નહોતો કર્યો. અલબત્ત અરવિંદ કેજરીવાલે એ ત્રણે બેઠકો પર રોડ શો કર્યો હતો પરંતુ જમીન ઉપર આપના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીના મત કોંગ્રેસમાં ટ્રાન્સફર ન થવાને કારણે કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો હતો.
અહેવાલમાં કોંગ્રેસ પક્ષની પોતાની ખામીઓ અંગે પણ ટિપ્પણી કરવામાં આવી છે. તેમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસના અનેક કાર્યકરો અને નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના વિરોધમાં હતા. અરવિંદકુમાર લવલી અને રાજકુમાર ચૌહાણ જેવા નેતાઓ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ છોડી ગયા તેની પણ ચૂંટણીના પરિણામો પર અસર પડી હતી. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે ઇન્ડિયા ગઠબંધન નો ભાગ હોવા છતાં પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે ચૂંટણી લડ્યા હતા અને હવે આગામી વર્ષમાં યોજનારી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એકલે હાથે લડશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.