શું તમે પણ વારંવાર પોતાનું બેન્ક બેલેન્સ ચેક કરો છો તો ચેતજો! 1 ઓગસ્ટથી UPIમાં બદલાઈ રહ્યા છે આ નિયમ
ભારત ડિજિટલાઈઝેશન આગળ વધી રહ્યું છે. લોકો મની ટ્રાન્ઝેક્શન માટે વધુમાં વધુ UPIનો ઉપયોગ કરી રહ્યા છે. UPIના કારણે લોકોનું જીવન ઘણું સરળ થયું છે. ઘરબેઠા આપણે કોઈપણ ખૂણે પૈસા ટ્રાન્સફર કરી શકીયે છીએ. કોઈપણ બિલનું પેમેન્ટ કરી શકીયે છીએ ત્યારે UPI નો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.
NPCI (National Payments Corporation of India)એ UPI સેવાઓ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે જે 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. આ નિયમો હેઠળ, હવે ચોક્કસ સેવાઓ પર મર્યાદા લાદવામાં આવશે જેથી સિસ્ટમ પર ટ્રાફિક લોડ નિયંત્રણમાં રહે અને પીક સમયમાં નેટવર્ક ધીમું ન થાય અથવા નિષ્ફળ ન જાય. આ ફેરફારો ખાસ કરીને બેલેન્સ ચેક અને ઓટોપે ટ્રાન્ઝીકશન સાથે સંબંધિત છે.
50 વખત જ પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે
સૌથી મહત્વની વાત એ છે કે હવે કોઈપણ વપરાશકર્તા દિવસમાં ફક્ત 50 વખત જ પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે. જો તમે આ સંખ્યા કરતાં વધુ વખત બેલેન્સ તપાસવાનો પ્રયાસ કરશો, તો સિસ્ટમ જવાબ આપશે નહીં. NPCI કહે છે કે મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ વારંવાર તેમના બેલેન્સ ચેક કરે છે, જેના કારણે સર્વર પર બિનજરૂરી ભારણ સર્જાય છે. હવે વપરાશકર્તાને દરેક વ્યવહાર પછી ઓટોમેટિક બેલેન્સ અપડેટ પણ મળશે, જેનાથી વારંવાર તપાસ કરવાની જરૂર નહીં પડે.
વધુમાં, પીક અવર્સ દરમિયાન, એટલે કે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી રાત્રે 9:30 વાગ્યા સુધી, બેલેન્સ ચેક જેવી સેવાઓ આંશિક રીતે બંધ હોઈ શકે છે અથવા મર્યાદિત ઍક્સેસ હોઈ શકે છે. તેવી જ રીતે, UPI ઓટોપે સુવિધાઓ, જેમ કે સબસ્ક્રિપ્શન, EMI અથવા SIP જેવી ઓટોમેટિક ચુકવણીઓ, હવે ફક્ત નોન-પીક સમયમાં જ પ્રક્રિયા કરવામાં આવશે.
NPCI કહે છે કે નેટવર્કની સ્થિરતા અને સરળ સંચાલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં UPI પર ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં જબરદસ્ત વધારો થયો છે, અને તેના કારણે સિસ્ટમને બિનજરૂરી ભારણથી બચાવવા જરૂરી બની ગયું છે. જો દરેક વપરાશકર્તા દિવસમાં 100 વખત પોતાનું બેલેન્સ ચેક કરે, તો તેની સીધી અસર નેટવર્કના પ્રદર્શન પર પડે છે.
જોકે, આ મર્યાદાઓ ફક્ત કેટલીક મૂળભૂત સેવાઓ પર જ લાગુ પડશે. પૈસા મોકલવા અને મેળવવા અથવા QR કોડ સ્કેન કરીને ચુકવણી કરવા જેવી સુવિધાઓ પહેલાની જેમ જ કામ કરતી રહેશે. પરંતુ UPI નેટવર્કને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે બેલેન્સ ચેક, ઓટોપે જેવી ગૌણ સુવિધાઓને થોડી ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહી છે.
NPCIનો તમામ બેંકો-PSPને નિર્દેશ
આ પરિપત્રમાં NPCI એ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર (PSP)ને નિર્દેશ કર્યો છે કે, 31 જુલાઈ સુધી યુપીઆઈ નેટવર્કના દસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) જેમ કે બેલેન્સ ચેક, ઓટો પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ચેક જેવા ઈન્ટરફેસ નવા નિયમ પ્રમાણે મર્યાદિત કરી દે. જો તેનું પાલન નહીં કરાય તો બેંક અને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.