શેર બજારમાં બ્લડ બાથ : સેન્સેક્સ નવ મહિનાના તળિયે,-15% નું કરેક્શન : ૧૪૧૪ પોઈન્ટનો કડાકો
- ટેરિફ વોરથી થનારા નુકસાન કરતા પણ શેરબજારમાં નુકસાન વધુ
- નિફ્ટી-સેન્સેક્સના બધા જ ઇન્ડાઇસીસ માં તીવ્ર ઘટાડો
શેરબજારમાં શુક્રવારે જોરદાર કડાકો બોલી ગયો હતો.સેન્સેક્સમાં 1414 પોઇન્ટ અને નિફ્ટીમાં 420 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 22,124 અને સેન્સેક્ષ 73,198 બંધ રહ્યો છે. નિફ્ટી અને સેન્સેક્ષ મા તેના 52 વીક હાઈ થી 15% નું કરેકશન થયું છે. સેન્સેક્સના કડાકાને લીધે રોકાણકારોને લાખ્ખો કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.
આ સાથે શેર બજારમાં મીડકેપ અને સ્મોલ કેપમાં અનુક્રમે 2.59 ટકા અને 3 ટકા નો કડાકો બોલ્યો છે. મીડકેપ અને સ્મોલકેપ માં તેના 52 વીક હાઈ થી અનુક્રમે 19% અને 25% નું ધોવાણ થયું છે. શેરબજાર ના આ કડાકાની અસર મુખ્ય તો આઇ.ટી અને ઑટો સેક્ટર માં જોવા મળી છે. જેમાં આઇ.ટી ઇન્ડેક્સ અને ઑટો ઈન્ડેક્સ હાઈ ઉપર થી 4% ડાઉન થયા છે.
આઈ. ટી સેક્ટર માં મુખ્ય તો ટેક મહિન્દ્રા -6.4 %, વિપ્રો -5.4%, ઈન્ફોસિસ -4% અને ટી.સી.એસ -3.6% ડાઉન થયા છે , તો બીજી બાજુ ઑટો સેક્ટર માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા -5.2%,અશોક લેલેન્ડ -5.1%, ટી.વી.એસ -4.8%, ટાટા મોટર્સ -4.3% અને બજાજ ઓટો -4% ડાઉન થયા છે.
જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા છે,ત્યારથી બજારની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે.ટેરીફ વોર ચાલુ થઈ છે અને આ ટેરિફ વોરની ગંભીર અસર ભારતીય શેરબજાર પર થઈ રહી છે. ઇન્વેસ્ટર્સ ના લાખો-કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આર્થિક સ્થિતી ડામાડોળ થઈ રહી છે. જુના ખરીદેલા શેરોના ભાવો આવતા નથી અને નવા શેરો ખરીદવાના પૈસા નથી.
વિદેશી નાણાકીય સંસ્થાઓ ભારતીય શેરબજારને ગુડ બાય કહી રહી છે. સ્થાનિક નાણાકીય સંસ્થાઓ ભારતીય શેરબજારમાં શેરો ખરીદી રહી છે પરંતુ એ તે પણ હાંફવા લાગી છે. ક્યાં સુધી આ બધી નાણાકીય સંસ્થાઓ ટક્કર ઝીલશે તે એક કરોડ રૂપિયાનો સવાલ છે
ભારતનું અર્થતંત્ર મજબૂત છે. વિદેશી હુંડિયામણ નું રિઝર્વ પણ સારું છે.બજેટમાં પણ આયકરમાં વ્યક્તિગત કરદાતા ને 12 લાખ સુધીની ટેક્સ ની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.બેંકો વ્યાજદરો પણ ઘટાડી રહી છે. બેન્ક ડિપોઝીટસ ના દરો ઘટવા લાગતા રોકાણકારને બેંક ડિપોઝીટસ માંથી રસ ઉડવા લાગ્યો છે.
સોનાના ભાવો એ માઝા મૂકી છે એટલે સોનું ખરીદવા પણ રોકાણકાર તૈયાર નથી.સોવેરીયન ગોલ્ડ બોન્ડ યોજનાનું પણ ફીંડલુ વળી ગયું છે.પ્રોપર્ટી ના ભાવો આસમાને છે.ત્યારે એકમાત્ર સહારો નાના રોકાણકાર માટે શેરબજાર છે અને તેના પર પણ મંદીના વાદળો છવાઈ જતા રોકાણકારોમાં હતાશા-નિરાશા વ્યાપી છે.
જોકે આ બધું થવામાં સેબી દ્વારા લેવાયેલા કડક પગલાંઓ નો પણ સમાવેશ છે. ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ ના નિયમો કડક બનાવવા માં આવ્યા છે,જેને લઈને વોલ્યુમમાં સતત ઘટાડો થતાં શેરબજારમાં મંદી છવાઈ છે.બે-ત્રણ ક્વાર્ટર ના કંપનીઓના પરિણામો પણ ખરાબ આવ્યા છે. જો કે ગ્રોથ સ્ટોરી પણ થોડી નબળી પડી હોય તેવું લાગે છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેરબજારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. થોડો સમય શેર બજાર ને સુધરતા જરૂર લાગશે. સૌથી મોટી ચિંતા નો વિષય પ્રાઇમરી માર્કેટ છે કે જેમાં આઈ.પી.ઓ આવવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.જો કંપનીઓ આઈ.પી.ઓ લાવી શકશે નહીં અથવા તો આઈ.પી.ઓમાં પ્રમોટરો ને નબળો પ્રતિસાદ મળશે તો પ્રાઇમરી માર્કેટ રૂંધાશે.
જો પ્રાઇમરી માર્કેટમાં જ ગતિવિધિઓ અટકશે તો સરવાળે આર્થિક પરિસ્થિતિ ખરાબ થશે.સેકન્ડરી માર્કેટ પણ નહીં ચાલે. જોકે અત્યારે જ ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા નું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. આવનારા દિવસોમાં ટેરિફ વોર અટકશે અને વિદેશી નાણાકીય સંસ્થાઓ શેર વેચવાનું બંધ કરશે તો જ બજાર ચાલશે.આવનારા ક્વાર્ટર ના કંપનીઓના પરિણામો સારા હોવાની શક્યતા બજાર જોતું નથી.હજુ બે ક્વાર્ટર પછી કંપનીઓની સ્થિતિ સુધરશે તેવી શક્યતા છે.