સિક્કિમ વિધાનસભાની ચુંટણીમાં કોને સત્તા ? વાંચો
લોકસભાની સાથે સિક્કિમમાં પણ વિધાનસભાની ચુંટણી થઈ હતી અને રવિવારે અહીં મતગણતરી થઈ હતી. સિક્કિમ ક્રાંતિકારી મોરચાને સતત બીજી વખત સત્તામાં પરત ફરવાનો લોકચૂકાદો મળ્યો હતો અને પ્રચંડ બહુમતી લોકોએ આપી હતી. તેણે 32 સભ્યોની વિધાનસભામાં 31 બેઠકો જીતી લીધી હતી અને વિપક્ષ એસડીએફને સમ ખાવા ફક્ત એક બેઠક મળી હતી. અહીં દેશના સૌથી મોટા બે પક્ષ ભાજપ અને કોંગ્રેસનું ખાતું પણ ખૂલી શક્યું નથી. ચુંટણી પંચે આ મુજબની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળની એસકેએમનો ઐતિહાસિક દેખાવ રહ્યો છે. તેઓ ફરીવાર મુખ્યમંત્રી બની રહ્યા છે. આ વખતે અહીં વિપક્ષ સદંતર સાફ થઈ ગયો છે. જનતાએ સત્તારૂઢ પાર્ટી પર જ ભરોસો રિપીટ કર્યો છે.
સિક્કિમના મુખ્ય પ્રધાન અને સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સુપ્રીમો પ્રેમસિંઘ તમાંગે રવિવારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના સોમનાથ પૌડ્યાલને 7,044 મતોથી હરાવીને રાહનોક વિધાનસભા બેઠક જીતી લીધી હતી. ચૂંટણી પંચના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.
તમંગને 10,094 મત મળ્યા, જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના તેમના નજીકના હરીફને 3,050 મત મળ્યા હતા.
સિક્કિમની 32 વિધાનસભા બેઠકો માટે રવિવારે સવારે 6 વાગ્યે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી.