ઑસ્ટ્રેલિયન પત્રકારો બગડ્યા: રવીન્દ્ર જાડેજાની PCમાં બઘડાટી
- સવાલ પૂછવાની તક જ ન મળતાં મેનેજર સાથે કરી તું તું મેં મેં: પત્રકાર પરિષદ બની તોફાની
ભારતીય ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયા પ્રવાસે છે જ્યાં ૨૬ ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શ્રેણીની ચોથી ટેસ્ટ રમાશે. બીજી બાજુ ભારતીય ટીમ મેલબર્ન ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહી હતી. પ્રેક્ટિસ સેશન બાદ રવીન્દ્ર જાડેજાએ પત્રકારોને સંબોધિત કર્યા હતા. જાડેજાએ પત્રકાર પરિષદ દરમિયાન હિન્દીમાં જ જવાબ આપ્યા હતા. પત્રકાર પરિષદ (પીસી)ના અંતમાં ઑસ્ટ્રેલિયન પત્રકારોએ જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવા માંગ્યા હતા પરંતુ જાડેજાએ પોતાને બસ પકડવી છે તેમ કહી પીસી છોડી દેવામાં આવી હતી.
સમયના અભાવને કારણે અમુક ભારતીય પત્રકારો પણ સવા પૂછી શક્યા ન્હોતા. જો કે ઑસ્ટ્રેલિયન પત્રકારો રવિન્દ્રથી ખાસ્સા નાખૂશ થયા હતા. આ પછી તેમણે ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પારેખ સાથે બઘડાટી બોલાવી હતી. મૌલિને સૌને કહ્યું હતું કે આ પત્રકાર પરિષદ માત્ર ભારતીય મીડિયા માટે જ હતી જે વાત ઑસ્ટ્રેલિયન પત્રકારોને હજમ થઈ ન્હોતી. અમુક પત્રકારોએ મૌલિન પારેખ સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો જે બિલકુલ વ્યાજબી ન્હોતો.