પાર્કિંગમાં રિવર્સ આવતી કાર નીચે ચગદાઈ જતાં દોઢ વર્ષના માસૂમનું મોત
મવડી પાસે આવેલી હેમાદ્રી રેસિડેન્સીના
ચોકીદારના પરિવારનું બાળક રમી રહ્યું ત્યારે વેપારીએ કાર પાર્કિંગમાંથી બહાર કાઢવા ગયા ત્યારે સર્જાઇ દુર્ઘટના : દોઢ માસ પૂર્વે જ નેપાળી પરિવાર સોસાયટીમાં નોકરી પર લાગ્યો’તો
રાજકોટમાં મવડી ચોકડી પાસે આવેલી હેમાદ્રી રેસિડેન્સીમાં ચોકીદારીનું કામ કરતાં અને ત્યાં પાર્કિંગમાં આવેલી ઓરડીમાં રહેતા નેપાળી પરિવારનો દોઢ માસનો માસૂમ પુત્ર સવારના સમયે પાર્કિંગમાં રમી રહ્યો હતો.ત્યારે તે બિલ્ડિંગમાં રહેતા વેપારી પોતાની કાર પાર્કિંગમાં રિવર્સ લઈને બહાર કાઢી રહ્યા હતા.તે સમયે અકસ્માતે બાળક કાર નીચે આવી જતાં તે ચગદાઈ ગયો હતો.અને તેને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ હોસ્પિટલના બિછાને તેનું મોત નીપજ્યું હતું.
વિગત મુજબ મવડી ચોકડી પાસે બાપા સીતારામ ચોકમાં આવેલી હેમાદ્રી રેસિડેન્સી-1માં ચોકીદારીનું કામ કરતાં અને ત્યાં જ પાર્કિંગમાં આવેલી ઓરડીમાં રહેતા પોદમભાઈ સૌવ નામના યુવકનો મદન સૌવ નામનો દોઢ વર્ષનો માસૂમ પુત્ર ગઇકાલ સવારના સમયે પાર્કિગમાં રમી રહ્યો હતો.ત્યારે તે સોસાયટીમાં રહેતા મિલનભાઈ ક્યાડા નામના વેપારી પોતાના પરિવાર સાથે ખોડલધામ જવા માટે તેમની કારમાં બેઠા હતા.અને કાર તેઓ રિવર્સ લઇને બહાર કાઢી રહ્યા હતા.તે સમયે માસૂમ બાળક રમતા રમતા કાર પાછળ આવી જતાં તે કાર નીચે ચગદાઈ ગયું હતું.અને ગંભીર ઇજા પહોંચતા વેપારી તેમની જ કારમાં બાળકને પ્રથમ ખાનગી ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. પરંતુ અહી બાળકનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.
બનાવની જાણ તાલુકા પોલીસને થતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.અને બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક બાળક મદનનો પરિવાર હેમાદ્રી રેસિડેન્સીમાં દોઢ માસ પૂર્વે જ કામે લાગ્યો હતો.અને અહી ચોકીદારીનું કામ કરતાં હતા. એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે.