જનતાને મોંઘવારીનો વધુ એક ડામ : રાંધણ ગેસના ભાવમાં થયો વધારો, ઉજ્જવલા યોજનાને લઈને પણ માઠા સમાચાર
સોમવારે દેશને મોંઘવારીના મોટા ફટકાનો સામનો કરવો પડ્યો છે. એલીપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારી કેન્દ્ર સરકારે મોંઘવારીથી પીડિત પ્રજાને દાઝ્યા પર ડામ આપ્યો છે. સરકારે 14 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી, ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે.
પેટ્રોલિયમ મંત્રીએ માહિતી આપી
મીડિયાને સંબોધતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે અને અહીં ભાવ ઘટી રહ્યા છે. અમે નિર્ણય લીધો છે કે LPG ના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણે રસોઈ ગેસના મામલે ઘણી પ્રગતિ કરી છે અને હવે આપણી પાસે ઉજ્જવલા યોજના પણ છે, જેના 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે. તેમણે કહ્યું કે આજે આપણા ભાઈ-બહેનોને લાકડા, ગાયના છાણ અને અન્ય વસ્તુઓથી આઝાદી મળી છે.
1 ઓગસ્ટ, 2024થી કિંમતો સ્થિર હતી
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો, જ્યારે 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં છેલ્લે ગયા વર્ષે ઓગસ્ટ 2024માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી LPG રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. IOCL મુજબ, હાલમાં દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા છે. મુંબઈમાં આ ભાવ 802.50 રૂપિયા, કોલકાતામાં આ ભાવ 829 રૂપિયા અને ચેન્નાઈમાં આ ભાવ 818.50 રૂપિયા છે.
આ પહેલા સોમવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી અંગે મોટો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત પેટ્રોલ-ડીઝલ એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલિયમ મંત્રીએ ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું છે કે, ‘હું સ્પષ્ટ કરી દઉં છું કે આનાથી ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં.’ તેમણે કહ્યું કે તાજેતરના ભૂતકાળમાં, પેટ્રોલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ $60 અથવા બીજા શબ્દોમાં કહીએ તો, કાચા તેલ જેટલો પહોંચી ગયો છે.
