બાંગ્લાદેશમાં લશ્કરી બળવાના એંધાણ મહમદ યુનુસ સરકાર સામે સેનામાં રોષ
બાંગ્લાદેશમાં લશ્કરી બળવો તોળાઈ રહ્યા હોવાના એંધાણ મળી રહ્યા છે.બાંગ્લાદેશ આર્મીના વડા વેકર – ઉઝ – ઝમાને સોમવારે સેનાના ઉચ્ચ અધિકારીઓની બોલાવેલી તાબડતોડની બેઠક બાદ બંગલા દેશમાં મોટી ઉથલપાથલ થવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાની આગેવાની વાળી અવામી લીગ સરકારના પતન બાદ મુહમ્મદ યુનુસે સત્તા સંભાળી ત્યારથી, બાંગ્લાદેશના લોકોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ વધતો જોવા મળ્યો છે.
આને ધ્યાનમાં રાખીને, એ બેઠકમાં દેશમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં સૈન્યની સંભવિત ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હોવાનું ઇન્ડિયા ટુ ડે એ જણાવ્યું હતું. એ અહેવાલમાં ભવિષ્યમાં સૈન્ય દ્વારા સત્તા હસ્તગત કરવાની તથા સેના દ્વારા વચગાળાના સરકારના પ્રમુખ મુહમ્મદ યુનુસને હટાવીને નિયંત્રણ હાથમાં લેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
સૂત્રોએ સંકેત આપ્યો કે સેના રાષ્ટ્રપતિ પર કટોકટીની સ્થિતિ જાહેર કરવા દબાણ કરી શકે છે અથવા યુનુસ સામે બળવો કરી શકે છે. સેના તેની દેખરેખ હેઠળ રાષ્ટ્રીય એકતા સરકારની રચનાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે.
આ બેઠકમાં ઉચ્ચ સેના અધિકારીઓ, જેમાં પાંચ લેફ્ટનન્ટ જનરલ, આઠ મેજર જનરલ (જીઓસી), સ્વતંત્ર બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસરો અને સેના મુખ્યાલયના અધિકારીઓએ ભાગ લીધો હતો.