કોલકત્તાની અરજી કાર હોસ્પિટલમાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યા બાદ જલત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે જ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાયિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી પણ વિંગ કમાન્ડર દ્વારા દુષ્કર્મોનો ભોગ બની હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ અંગે એરફોર્સની ઇન્ટર્નલ કમિટીમાં બે વખત ફરિયાદ કર્યા બાદ પણ ભીનું સંકેલી લેવામાં આવતા અંતે તે પોલીસ ફરિયાદ કરવા માટે મજબૂર બની હતી.
પીડિતાના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર 2023 ની નવા વર્ષની પાર્ટીમાં તેને એક સિનિયર અધિકારી નવા વર્ષની ભેટ આપવાના નામે રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં બળપૂર્વક મુખમૈથુન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.મહિલાએ તેને છોડી દેવા કાકલુદી કરી હતી અને અંતે પોતાની તમામ તાકાત વડે સામનો કરી અને ભાગી છુટ્ટી હતી.
બનાવ અંગે ફરિયાદી પીડિતાએ કહ્યું કે એ ઘટના પછી પણ એ ઓફિસર નિયમિત રીતે મારી ઓફિસમાં આવતા રહેતા અને જાણે કે કંઈ બન્યું જ ન હોય તેવું વર્તન કરતા હતા. પીડિતાએ વ્યથા વર્ણવતા કહ્યું કે મારે શું કરવું તેની મને સૂઝ પડતી નહોતી. ફરિયાદ કરવી કે નહીં તે અંગે મૂંઝવણમાં હતી કારણ કે આ અગાઉ પણ આવી કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. એક કુવારી યુવતી આવા ભયંકર કૃત્ય નો ભોગ બની હોય ત્યારે કેવી યાતના અનુભવતી હશે તે હું વર્ણવી શક્તિ નથી.બે વર્ષથી હું માનસિક સંતાપ, હેરાનગતિ અને જાતીય હુમલા નો ભોગ બની રહી છું પણ ન્યાય નથી મળતો.
ઇન્ટરનલ તપાસમાં કેસનું ફિંડલુ વાળી દેવાયું
પીડીતાએ ફરિયાદ કર્યા બાદ કર્નલ રેન્કના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં એ અધિકારીએ આરોપી વીંગ કમાન્ડરને સાથે રાખી અને પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. આરોપીને સાથે બેસાડવાનો મહિલાએ કરેલો વિરોધ ફગાવી દેવાયો હતો અને કેસને બંધ કરી દેવામાં આવ્યો હતો. બે મહિના બાદ મહિલાએ ફરી વખત ઇન્ટરનલ કમિટીમાં ફરિયાદ કરી હતી.એ તપાસ ‘ ઉપર ‘ ના દબાણને કારણે યોગ્ય રીતે ન થઈ હોવાનો મહિલાનો આક્ષેપ છે. તપાસની અધિકારીએ ઘટના નજરે નીહાળનાર સાક્ષી ન હોવાનું કારણ આપી તપાસનું ફિંડલું વાળી દીધું હતું. પીડિતાએ એવો સવાલ કર્યો કે શું કોઈ વ્યક્તિ અન્ય કોઈની હાજરીમાં દુષ્કર્મ કરે? દુષ્કર્મના કોઈ સાક્ષી હોય?