કોલકતાની હોસ્પિટલમાં મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ મહિલાઓની અસલામતીનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે જ રાજસ્થાનના જોધપુરમાં સરકારી હોસ્પિટલમાં 15 વર્ષની એક સગીરા પર સામુહિક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ ભોગ બનેલી બાળા તેની માતા સાથે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ઘરેથી નીકળી ગઈ હતી.તે ગુમ થયાં અંગેની પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી ત્યારે એ સગીરા જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલની કેન્ટીનમાં હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં દોડી જઈ તેનો કબજો લીધો હતો. સગીરાને પોલીસ સ્ટેશનને લાવવામાં આવી ત્યારે તેણે તેની ઉપર બે શખ્સોએ દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
બાદમાં પોલીસે જણાવ્યા અનુસાર એ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા બે સફાઈ કામદારો સગીરાને ભોજનની લાલચ આપી અને હોસ્પિટલના કેદી વોર્ડની બાજુમાં અવાવરું સ્થળે લઈ ગયા હતા અને ત્યાં બંને તેની પર દુષ્કર્મમાં આચાર્યું હતું. પીડિતાના તબીબી પરીક્ષણમાં પણ દુષ્કર્મ થયાનું ખુલ્યું હતું.
રાજસ્થાનમાં જંગલરાજ : ગેહલોત
એકલા જોધપુર શહેરમાં જ છેલ્લા પંદર દિવસમાં સગીરાઓ પરના દુષ્કર્મની આ ચોથી ઘટના હતી.આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજસ્થાનમાં જંગલરાજ પ્રવર્તતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે પોલીસ કોઈને મહિલાઓની સલામતીની ચિંતા નથી.નોંધનીય છે ધારાસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ગેહલોત ના શાસનમાં રાજસ્થાનમાં મહિલાઓ ઉપરના અત્યાચારોનો મુદ્દો જોરદાર થી ચગાવ્યો હતો અને હવે તેઓ ભાજપ સરકાર પાસે હિસાબ માંગી રહ્યા છે.