છત્તીસગઢમાં દુર્ઘટના : મૂંગેલીના સ્ટીલ પ્લાન્ટમાં ચીમની પડતાં 8 મજૂરોના મોત
છત્તીસગઢમાં મૂંગેલી જિલ્લાના રામબોડ ગામ પાસે એક સ્ટીલ પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો હતો. અહીં કામકાજ દરમિયાન એકાએક ચીમની તૂટી પડતાં 30 મજૂરો દબાઈ ગયા હતા અને તરત જ બચાવ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દુર્ઘટનામાં 8 મજૂરોના મોત થઈ ગયા હતા. અન્ય કેટલાક ઘાયલ થતાં હોસ્પિટલે ખસેડાયા હતા.
ઘાયલ થયેલા મજૂરો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતનો કાફલો પહોંચી ગયો હતો અને બચાવ ઓપરેશન માટે ટીમો આવી ગઈ હતી. દબાઈ ગયેલા મજૂરોને બહાર કાઢવા માટે ક્રેન સહિતની મશીનરીનો ઉપયોગ કરાયો હતો.

આ દુર્ઘટના થતાં આસપાસના ગામ લોકો પણ મદદ માટે આવી ગયા હતા. 8 મજૂરોના મોત થઈ જતાં એમના પરિવારમાં ઘેરો વિષાદ છવાયો હતો. છત્તીસગઢના મુખ્યમંત્રીએ ઘટના અંગે ભારે દુખની લાગણી વ્યક્ત કરી હતી.
આ ફેક્ટરીમાં પાઇપ બનાવવાનું કામ પણ થાય છે અને ચીમનીનું કામ પણ ચાલી રહ્યું હતું. કામ ચાલુ હતું ત્યારે જ એકાએક ચીમની પડી ગઈ હતી. ઘટના વખતે ત્યાં અનેક મજૂરો કામ કરી રહ્યા હતા.