બાળ સાવજની દેશભક્તિ! દસ વર્ષની ઉંમરમાં કર્યું એવું કાર્ય કે સેનાએ કર્યું સન્માન, વાંચો શૂરવીરની ગૌરવ ગાથા
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન અને પીઓકે માં અંદર ઘૂસી આતંકવાદી અડ્ડાઓનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.જે લોકોએ ભારતીય નારીઓના સિંદૂર ભુસ્યા હતા તેમને પૃથ્વીના પટ પરથી ભૂસી નાખ્યા. આખો દેશ આ સિદ્ધિ બદલ ઉતેજીત હતો,રોમાંચિત હતો ગર્વની લાગણી અનુભવતો હતો ત્યારે પાકિસ્તાનના સંભવિત વળતો હુમલાને ધ્યાનમાં રાખી ભારતીય સેનાએ સરહદો નજીક પોઝિશન સંભાળી લીધી હતી.
ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા પંજાબના તારાવાલી ગામના ધૂળભર્યા અને ગરમીમાં તપતા ખેતરોમાં સેનાના ખડતલ નરબંકાઓ મા ભારતીના રક્ષણ માટે અભેદ્ય દિવાલ રચીને ગોઠવાઈ ગયા હતા. ખેતરોની થોડી સૂકી અને થોડી ભીની માટીમાં તેમના બૂટોએ જમીન પર નવી લીટીઓ દોરી હતી.અને તેઓ દુશ્મનના કોઈ પણ હુમલાને ભરી પીવા તૈયાર હતા.

ગ્રામીણોએ 1971 પછી જોયેલો એ સૌથી મોટો સૈન્ય જમાવડો હતો. સેનાની હાજરીએ નાનકડા ગામના ભારે ઉતેજના સર્જી હતી.સેંકડો ગ્રામીણો પોતાના મકાનોની છતો પરથી અહોભાવ સાથે એ દૃશ્યો જોયે રાખતા હતા.સેનાએ ગ્રામજનોને સતર્ક રહેવાની ચેતવણી આપી હતી.ગ્રામજનોની આવન જાવન ઉપર અંકુશ મૂકી દેવામાં આવ્યો હતો.દૂરથી એ નાનકડા ગામના લોકો ડ્રોન અને મિસાઇલોના હુમલા અને ભારતીય સેના દ્વારા તેના અધવચ્ચે જ કાઢવામાં આવતા કચ્ચરઘાણને નિહાળતા રહેતાં હતા. યુદ્ધની ભયાનકતા તેઓ સાક્ષી બનતા હતા.
આ પણ વાંચો : અમરનાથ યાત્રામાં જવા માટેની સંપૂર્ણ માહિતી, ક્યાં અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને શું ધ્યાન રાખવું?
આવા માહોલ વચ્ચે દસ વર્ષનો એક બાળક દરરોજ ગામની સીમા વળોટીને ખેતરમાં પહોંચી જતો, જ્યાં ભારતના બળુકા સૈનિકો યુદ્ધ સામગ્રી સાથે તૈનાત હતા. એ બાળકનું નામ છે શ્રવણ સિંહ. ભારતીય સેનાને નિહાળીને આ બાળ સાવજ રોમાંચિત હતો. તેણે દૂરથી આપણી સેનાની બહાદુરી નિહાળી અને સૈનિકોનું શૌર્ય નિહાળીને મુગ્ધ થઈ ગયો.તેને થયું કે મારે પણ મા ભોમ માટે અને માતૃભૂમિના રક્ષણ માટે ધોમધખતા તાપમાં મોતને મુઠ્ઠીમાં લઈને, માથે કફન બાંધીને લડતા સૈનિકો માટે કાંઈક કરવું છે.

તેની આ પ્રબળ લાગણીને તેના પિતા સોના સિંહ અને અન્ય પરિવારજનોએ માન આપ્યું અને તે પછી એક સિલસિલો શરૂ થયો. શ્રવણ સિંહ તેના નાનકડા હાથોમાં પાણી, દુધ, લસ્સી અને બરફ લઈને પહોંચ્યો પોતાના ખેતરે, એક હાથ વડે સૈનિકોને સલામ કરીને પછી તેણે એ બધી વસ્તુઓ અર્પણ કરી ત્યારે એ નાનકડા બાળકની ભાવના સૈનિકોને સ્પર્શી ગઈ. બસ પછી તો આ સેવા અવિરત ચાલી.દિવસમાં પાંચ છ વખત શ્રવણ સિંહ, આકાશમાં ત્રાટકતા ડ્રોન અને મિસાઈલોની પરવાહ કર્યા વગર રણભૂમિ બની ગયેલા પોતાના ખેતરમાં આ બધી વસ્તુઓ લઈને જતો. આ બહાદુર બાળક સૈનિકોનો પણ લાડકો બની ગયો. આ નાનકડો મિત્ર સેનાને એ સંદેશો આપતો કે આખો દેશ ભારતીય સેના સાથે છે. દેશના એક એક માણસને સૈનિકો પર ગર્વ છે. સૈનિકો તેને પૂછતા કે તને ડર નથી લાગતો? અને આ બાળક જવાબ આપતો કે તમારા જેવા જાંબાઝ સૈનિકો હોય પછી ડર શેનો ?
અંતે ઓપરેશન સિંદૂર પૂરું થયું.સેનાની કેટલીક ટુકડીઓની વાપસીની સમય આવી ગયો ત્યારે શ્રવણ સિંહ ફરી એક વખત દૂધ અને લસ્સી ભરેલા વાસણો ઉપાડીને ખેતરે પહોંચ્યો અને જ્યારે ઝિંદાદિલ સૈનિકોએ તેને ઊંચકીને ભારત માતા કી જય ના નારા લગાવ્યા ત્યારે અનેરા દૃશ્યો સર્જાયા. બાળકે પણ સેલ્યુટ કરી અને સૈનિકોના ચરણોએ જે માટી ખુંદી હતી તેની ચપટી ભરી કપાળ પર તિલક કર્યું ત્યારે સૈનિકો પણ ભાવવિભોર બની ગયા.

હું સૈનિક બનીને દેશની સેવા કરવા માંગુ છું
આ બાળકની બહાદુરી, તેની હિંમત, તેના સાહસ, તેની દેશભક્તિ અને સેના પ્રત્યેના તેના સન્માન અને સમર્પણભાવની સેનાના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લીધી. મંગળવારે એક વિશેષ સમારોહમાં 7મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ રણજિત સિંહ મનરાલએ યુનિફોર્મ અને શસ્ત્રો વગરના પણ હિંમત અને દેશભક્તિથી છલકાતા એ નાનકડા ” સૈનિક ” શ્રવણ સિંહનું અદકેરું સન્માન કર્યું, સૈનિકોને પાણી, દૂધ, લસ્સી અને બરફ પહોચાડનાર આ બાળકને તેની ખમીરવંતી સેવાની ક્દારરૂપે સ્મારક ચિહ્ન, વિશેષ ભોજન અને તેના મનપસંદ ડેઝર્ટ – આઇસ્ક્રીમ ભેટમાં આપવામાં આવ્યા.આખું ગામ આ અનોખા સમારોહનું સાક્ષી બન્યું. બાદમાં આનંદથી ઉછળતા શ્રવણ સિંહે કહ્યું, “તેઓએ મને ખાવાનું અને આઇસ્ક્રીમ આપ્યા. હું ખૂબ ખુશ છું. હું સૈનિક બનીને દેશની સેવા કરવા માંગુ છું…”તેના પિતા સોના સિંહે કહ્યું,” મારા પુત્રની દેશભક્તિ અને જુસ્સો અને સૈનિકો સાથેની તેની આત્મીયતા નિહાળવાનો આનદ એ ખેતરમાં લહેરાતી લીલી છમ્મ ફ્સલને નિહાળીને થતા આનંદ કરતા પણ અનેકગણી વધારે હતો.
ઓપરેશન સિંદૂરના ઇતિહાસમા ભારતીય સેનાના શૌર્ય, બલીદાન અને સમર્પણના અનેક ગૌરવભર્યા પ્રકરણો આલેખાશે અને ત્યારે તારા વાલી ગામના આ નાનકડા બહાદુર સપૂતની સેવા પણ તેનો હિસ્સો બનશે.
આજે એ ગામની સરહદો શાંત છે.સેનાની વાપસી થઈ રહી છે પણ શ્રવણ સિંહ તો આજે પણ સૈનિકો સાથે વિતાવેલો સમય અને તેમની પાસેથી સાંભળેલી વાતો વાગોળ્યે રાખે છે. તે કહે છે,”મને ડર નહોતો. હું મોટો થઈને સૈનિક બનવા માંગુ છું. હું સૈનિકો માટે પાણી, લસ્સી અને બરફ લાવતો. તેઓ મને ખૂબ ચાહતા..”. આ દેશભક્ત બાળકને પણ સો સો સલામ.