41 શ્રમિકોની ઋષિકેશની એઇમ્સ ખાતે ચકાસણી કરાઇ
મુખ્યમંત્રી ધામીએ મજૂરોને રૂ.50 હજારના ચેક અર્પણ કર્યા
ઉત્તરકાશીમા સુરંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયેલા 41 મજૂરોને વિમાન મારફત ઋષિકેશના એઇમ્સ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની મેડિકલ ચકાસણી શરૂ કરવામાં આવી હતી. 17 દિવસ સુધી ટનલની અંદર રહેલા મજૂરોની દરેક જાતની મેડિકલ તપાસણી કરવામાં આવી હતી.
તબીબોની ટીમે કહ્યું હતું કે, કોઈ મજૂરને કોઈ ગંભીર બીમારી તો લાગુ પડી નથી ને? તેની ચકાસણી કરવામાં આવશે અને 48 કલાક સુધી તેમને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. મનોરોગ અને આંતરિક ચિકિત્સા તથા અન્ય ડોકટરો દ્વારા તેમની ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી.
જો કે તબીબોના જણાવ્યા મુજબ કોઈપણ મજૂરને માનસિક તકલીફ દેખાતી નથી. બીપી, છાતીનો એકસ-રે તથા અન્ય પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી કોઈ મજૂરમાં કોઈપણ ચિંતાજનક બીમારી દેખાઈ નથી.
દરમિયાનમા મજૂરોને પ્રાથમિક સહાયતાના રૂપમાં રૂ.50 હજાર આપવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી પણ એઇમ્સ ખાતે પહોંચી ગયા હતા અને એમણે તબીબો પાસેથી મજૂરો વિશેની માહિતી મેળવી હતી અને મજૂરોને ચેક અર્પણ કર્યા હતા.