ઓરિસ્સાથી ટ્રકમાં રાજકોટ તરફ લવાતા 33 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે SMCએ રાજકોટ શહેર તથા ગોંડલના બે શખસોને ઝડપી પાડયા છે. બન્નનેએ અન્ય સાગરિત સાથે મળીને ગાંજો વેચવા માટે લઈ આવ્યા હોવાની કેફિયત આપી હતી જે આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રીજા શખસની પર ધરપકડની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ નજીક સનાથલ સર્કલ નવા પુરા રોડ પર જીજે3-બી.વી.0264 નંબરના ટ્રકમાં લોખંડના પાઈપોની આડમાં છૂપાવાયેલો ગાંજાનો જથ્થો હોવાની માહિતી આધારે PSI કે.ડી. રવૈયા તથા ટીમે ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડ્યો હતો.
ટ્રકમાં છૂપાવાયેલો 3,31,250ની કિંમતનો 33.125 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા ટ્રકના ચાલક ગોંડલના વોરા કોટડા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા રિયાઝશા ઉમરશા ફકીર તથા ક્લિનર રાજકોટના રૈયા રોડ પર રહેતા ઝફર ઉર્ફે ભુરો જીકર સોલંકીની ધરપકડ કરી હતી. પૂછતાછમાં ગાંજો છત્તીસગઢ બોર્ડરને અડીને ઓરિસ્સાની હદમાં ગંજામ જિલ્લાના જંગલ વિસ્તાર અમનમાંથી લાવ્યા હોવાની કેફિયત આપી હતી. ડ્રાઈવર-ક્લિનર તથા કિલરનો ભાઈ મોઈન જીકર સોલંકી ત્રણેય આ જથ્થો વેચવા માટે લાવ્યા હતા. SMC પોલીસ મથકમાં ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.