નીટ-યુજી અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? હવે ક્યારે થશે સુનાવણી ? જુઓ
સુપ્રીમ કોર્ટમાં સોમવારે નીટ યુજી પેપર લીક મામલે થયેલી અસંખ્ય અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. પરીક્ષામાં ગેરરીતિ અંગે અનેક અરજીઓ સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ મામલે સુનાવણી હાથ ધરી હતીઅને કહ્યું હતું કે પરીક્ષા રદ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ. જોકે બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી 11મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ મામલે કુલ 38 અરજીઓ પેન્ડિંગ છે. અદાલતે એમ કહ્યું હતું કે મુન્નાભાઈ કેટલા હતા તે શોધો.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે પરીક્ષા રદ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ. કોર્ટે બુધવાર સુધી સીબીઆઇને તપાસનો સ્ટેટ્સ રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. હવે સુનાવણી ગુરુવારે થશે. કેન્દ્ર સરકાર અને એનટીએ પાસે પણ કેટલાક સવાલોના જવાબ માંગ્યા હતા. દરમિયાનમાં એનટીએ વતી હાજર રહેલા એસજી તુષાર મહેતાએ કોર્ટ સામે કબૂલાત કરી હતી કે પેપર લીક થયું હતું. એક જગ્યાએ લીક થયું હતું. અદાલતે સરકારને કહ્યું હતું કે તમે એ શોધો કે આમાં મુન્નાભાઈ કેટલા હતા ?
પરીક્ષા રદ કરવી અંતિમ ઉપાય : સીજેઆઈ
નીટ પેપર લીક મામલે સીજેઆઈએ પૂછ્યું કે આ પેપર લીકને કારણે કેટલાં વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા? ક્યાં છે વિદ્યાર્થીઓ? 23 જૂને 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવાઈ હતી. શું હજુ પણ આપણે ખોટું કામ કરનારાઓને શોધી રહ્યા છીએ? શું વિદ્યાર્થીઓ મળ્યાં? અમારા મતે તો પરીક્ષા રદ કરવી એ જ અંતિમ ઉપાય રહેશે કેમ કે તેમાં ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે.
લિકની અસર કેટલાને થઈ ?
પેપર લીક થયું એ વાત તો સાચી જ છે. પણ અમે એ જાણવા માગતા છીએ કે તેની અસર કેટલા લોકોને થઈ કેમ કે અમને 23 લાખ વિદ્યાર્થીઓની ચિંતા છે. જેમણે આ પરીક્ષા આપવા માટે સારી એવી તૈયારી કરી હતી. અનેક લોકો એવા હશે જેમણે પરીક્ષાની તૈયારી કરી, અનેકે પેપર આપવા માટે મુસાફરી પણ કરી. તેમાં ખર્ચો પણ થયો હશે.
સાયબર ફોરેન્સિકની મદદ ; અનેક સવાલ
અદાલતે એમ પણ કહ્યું હતું કે સીબીઆઇના રિપોર્ટને જોવામાં આવશે અને જરૂર પડશે તો સાયબર ફોરેન્સિક વિભાગની મદદ પણ લઈ શકાય છે. એવો સવાલ પણ કર્યો હતો કે આ બાબતએ કેન્દ્ર સરકારે શું પગલાં લીધા છે. ભવિષ્યમાં લીક જેવી ઘટનાઓ રોકવા શું કરી શકો છો ? સીજેઆઈએ કહ્યું હતું કે એ વાતમાં કોઈ શંકા નથી કે પેપર લીક થયું હતું. પેપર કોની કસ્ટડીમાં રખાયા હતા ? કેટલા સ્ટુડન્ટે લાભ લીધો હતો અને તેમની ઓળખ થઈ શકશે કે નહિ ? સ્ટુડન્ટે પરીક્ષા કેન્દ્રો શા માટે અને કેવી રીતે બદલ્યા ? આ બધા જ સવાલોના જવાબ એનટીએ અને કેન્દ્ર સરકાર પાસે માંગવામાં આવ્યા હતા.
પરિણામ પર પણ સવાલ થયા
દરમિયાનમાં સુપ્રીમ કોર્ટમાં પરિણામ અંગે પણ શંકા ઉઠાવતી અરજી દાખલ થઈ છે અને તેમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. 67 સ્ટુડન્ટને 720 માંથી 720 અંક કેવી રીતે મળી શકે ? આ પ્રકારનું પરિણામ સંભવ જ નથી તેવી દલીલ કરવામાં આવી છે. એક જ સેન્ટરના 6 સ્ટુડન્ટને આ રીતે અંક કેવી રીતે મળી શકે ?