રાજસ્થાનથી દારૂ ભરી રાજકોટમાં ઠાલવે તે પહેલાં વિદ્યાર્થી સહિત બે પકડાયા
પોલીસને ચકમો આપવા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી છતાં ફાવ્યા નહીં: રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરથી દારૂની ૩૧ પેટી પકડી પાડતી એલસીબી ઝોન-૧
દારૂ-ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવો જ વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. એક વિદ્યાર્થી સહિત બે લોકો રાજસ્થાનથી વૈભવી કારમાં દારૂની ૩૧ પેટી ભરી રાજકોટ ઠાલવવા માટે આવી રહ્યા હતા. પોલીસને ચકમો આપવા માટે આ લોકોએ કારમાં ખોટી નંબર પ્લેટ પણ લગાવી હતી આમ છતાં ફાવ્યા ન્હોતા અને એલસીબી ઝોન-૧ની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર વોચ ગોઠવી બન્નેને પકડી પાડ્યા હતા.
ઝોન-૧ એલસીબી પીઆઈ બી.વી.બોરિસાગરના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિરાજ પટગીર તેમજ દિવ્યરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે કૂવાડવા પોલીસ મથક પાસે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર વોચ ગોઠવી કિયા સેલ્ટોસ કાર અટકાવી હતી. આ કારના અસલ નંબર જીજે૧૮ઈસી-૩૧૮૯ હતા પરંતુ ભેજાબાજોએ તે નંબર પ્લેટ કારમાં છુપાવી કાર બહાર જીજે૨૭ડીએમ-૪૧૫૧ લગાવ્યા હતા.
આ પછી પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની ૩૭૨ બોટલ મળી આવતાં કારના ચાલક શ્રવણ રામજીવન કાવા-બિશ્નોઈ (ઉ.વ.૨૪) તેમજ સુરેશ ભૈરારામ માંજુ-બિશ્નોઈ (ઉ.વ.૨૬)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં બન્ને પોપટ બની ગયા હતા અને કબૂલાત આપી હતી કે દારૂનો આ જથ્થો રાજકોટમાં આપવાનો હતો પરંતુ તે કોને આપવાનો હતો તેની ખબર સપ્લાયરને જ હોવાથી પોલીસે હવે દારૂ મોકલનાર તેમજ મંગાવનારની શોધખોળ શરૂ કરી છે.