સોનાના સિક્કાનું પોટલું છે’ કહી ૬ લાખ લઈ ગયા !
- આ જમાનામાં પણ ધૂતારાઓને
મુરખા' મળી રહે છે
- પરાબજારમાં આવેલી ગોળપીઠમાં બનેલો બનાવ: મોરબીમાં ખોદકામ કરતી વખતે જૂના સીક્કા મળી આવ્યા હોવાનું અને તે સોનાના હોવાનું કહી ઉલ્લું બનાવ્યા: એ-ડિવિઝન પોલીસે શરૂ કરી શોધખોળ
રાજકોટમાં દરરોજ કોઈને કોઈ બહાને છેતરપિંડીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. પરાબજારમાં આવેલી ગોળપીઠમાં વ્હોરા યુવાનને ત્રણ ગઠિયા સોનાના સિક્કાના નામે પીત્તળ પધરાવી ૬ લાખ પડાવી જતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ અંગે તાહીર અસગરઅલી હથિયારી (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં તે અને તેનો ભાઈ હુસેન અસગરઅલી હથિયારી ગોળપીઠમાં આવેલી રાજ ટે્રડર્સ નામની દુકાને બેઠા હતા ત્યારે એક વ્યક્તિએ દુકાને આવીને તાલપત્રીની ખરીદી કરી હતી. આ પછી તે વ્યક્તિએ કહ્યું હતું કે તે મોરબીમાં કોન્ટ્રાક્ટર સાથે કામ કરે છે અને ત્યાં ખોદકામ વખતે જમીનમાં દાટેલો એક થેલો મળી આવ્યો હતો જેમાં જૂના સીક્કા મળી આવ્યા છે. આ સીક્કા હું વેચવા જાઉં તો કોઈ વિશ્વાસ નહીં કરે એટલા માટે તમે મારી મદદ કરો. આમ કહીને તે સીક્કાનું એક સેમ્પલ આપી ગયો હતો જે સીક્કો મેં સોનીની દુકાને બતાવતાં આ સીક્કો સોનાનો હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ આ અજાણી વ્યક્તિએ દુકાને આવીને તેની પાસે બેથી ત્રણ કિલો સીક્કા હોવાનું કહ્યું હતું જે વજન ઉપર આપવા માટે કહ્યું હતું જેના બદલામાં છ લાખ રૂપિયા માંગ્યા હતા.
સોદો નક્કી થયા બાદ ત્રણેક જેટલા લોકો શનિવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં દુકાને આવ્યા અને તેમની સાથે એક પોટલું હતું જેનો વજન કરતાં તે પોણા બે કિલો જેટલો થતો હતો. જો કે બન્ને ભાઈઓએ તમામ સીક્કા ચેક કરવાનું કહેતા થોડી રકઝક પણ થઈ હતી. અંતે બન્ને ભાઈઓએ પોટલું લઈને ૬ લાખ રૂપિયા રોકડા આપી દેતા ત્રણેય ગઠિયા ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ પછી સીક્કાની ખરાઈ કરતાં તે ખોટા હોવાનું ખુલતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બન્ને ભાઈએ યુ-ટયુબમાં સોનાની પરખ કરવાનો વીડિયો જોયો છતાં છેતરાયા
અગાઉ હુસેન અને તાહીરને ગઠિયાઓ સીક્કા કે જે સોનાના હોવાનું કહી ગયા બાદ બન્ને ભાઈઓએ સોનાની પરખ કેવી રીતે કરવી તેની ખરાઈ યુ-ટયુબમાં વીડિયો જોઈને કરી હતી. વીડિયોમાં બન્નેએ જોઈએ કે સોનુ નાઈટ્રિક એસીડમાં નાખતાં તેમાં કોઈ જ રિએક્શન ન આવે તો સાચું સોનું છે તેવું સમજવું. આવું કરીને સીક્કો ચેક કર્યો તો કોઈ રિએક્શન આવ્યું ન્હોતું. જો કે ગઠિયા જે પોટલું આપી ગયા તેમાં રહેલા સીક્કા એસિડ ભરેલા બાઉલમાં નાખ્યા એટલે ધૂમાડો નીકળવા લાગ્યો હતો.