છોટુનગરમાં વેપારીના બંધ મકાનમાંથી તસ્કરો 3.75 લાખની મતા ચોરી ગયા
વેપારી જેતપુર તેમની દીકરીના ઘરે ગયા ત્યારે તસ્કરોએ મકાનને બનાવ્યું નિશાન
રાજકોટમાં તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ દિન-પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યા છે.ત્યારે ગઇકાલે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં છોટુનગર સોસાયટીમાં આવેલા વેપારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ.3.75 લાખની મતા ચોરી જતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથધરી છે.
વધુ વિગત મુજબ શહેરમાં છોટુનગર સોસાયટી શેરી નંબર-3માં રહેતા વેપારી છેલશંકરભાઇ શભંશંકરભાઇ રાવલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓની પુત્રી જેતપુર ખાતે રહે છે.જેને ત્યાં તેઓ ગત તા.15-9ના ગયા હતા.અને તા.23-9ના તેમના પાડોશીનો ફોન આવ્યો હતો.જેમને વેપારીના ઘરના દરવાજો અને તેનો લોક તૂટેલો હોવાનું જણાવતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા.અને ઘરમાં તપાસ કરતાં કબાટની તિજોરીમાંથી રોકડ રૂપિયા અને ઘરેણાં મળી કુલ રૂ.3.75 લાખ ચોરી થયાનું માલૂમ પડતાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ કે.જે.કરપડાએ ગુનો નોંધી આસપાસના સીસીટીવી આધારે તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ કરી છે.