પોલીસ પર હુમલા, મન પડે ત્યાં ફાયરિંગ કરવા સહિતના 52 ગુના: સૂત્રધાર રામદેવ સહિત ત્રણની ધરપકડ, ભરત કુગશીયા સહિત બેની શોધખોળ
રાજકોટની આઠમી ગેંગ ઉપર ગુજસીટોકનો ગાળિયો કસાયો: ડીસીપી સહિત ક્રાઈમ બ્રાન્ચે બનાવ્યો રેકોર્ડ
રાજકોટમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ગુંડાતત્ત્વો સામે ગુજસીટોકનો ગાળિયો નાખવાનો શરૂ થયેલો સિલસિલો યથાવત રાખી સાત મહિનાની અંદર આઠમી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરતા મોટું માથું બનવા પ્રયાસ કરતા તત્ત્વોમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો ફફડાટ દેખાવા લાગ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાછલા દસ વર્ષની અંદર ગુનાની ફિફટી ફટકારનાર રામદેવ ડાંગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કુખ્યાત ભરત કુગશીયા સહિતના બેની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: શાંતિ સમાધાન પર હસ્તાક્ષર પહેલાં ફરી ટ્રમ્પે પલટી મારી
આ અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે રામદેવ ડાંગર ગેંગ દ્વારા 2017થી 2026 દરમિયાન પોલીસ ઉપર હુમલા કરવા, ગેરકાયદેસર હથિયાર રાખી મન પડે ત્યાં ફાયરિંગ કરવા, હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, જમીન પચાવી પાડવા, દારૂનું વેચાણ સહિતના 24 ગંભીર મળી કુલ 52 ગુના નોંધાયેલા છે. આ ગેંગ દિવસેને દિવસે માથું ઉંચકી રહી હોય તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક વિનાયક વાટિકામાં રહેતા રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર, ઘંટેશ્વર પાર્ક હોટેલ પાછળ રહેતો કુલદીપસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા અને ઘંટેશ્વર ગામે ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં રહેતા સતિષ મેરામભાઈ બાલાસરાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગેંગમાં સામેલ ભરત કુગશીયા અને જનક મુળુભાઈ ડાંગરની શોધખોળ ચાલી રહી છે. આ ગુનાની તપાસ એસીપી વી.બી.જાડેજાને સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નવેમ્બરથી લઈ જૂન સુધીમાં રાજકોટની આઠમી ગેંગ ઉપર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગ્સમાં પેંડા ગેંગ, મુરઘા ગેંગ, બાટલી ગેંગ, ઓડિયા ગેંગ, ઈભલા ગેંગ, શામજી મકા ગેંગ અને અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગ ઉપરાંત હવે રામદેવ ડાંગર ગેંગ પણ ઝપટે ચડી ચૂકી છે.
