રાજકોટ ભાવનગર હાઇ-વે પર મહીકા ગામે રોડ પર ઉભલા ટ્રકની પાછળની સાઈડ બાઇક ઘૂસી જતાં કશ્યપ પંડ્યા નામના યુવકનું મોત નિપજ્યું હતું. મૃતકના વારસદારો દ્વારા કરવામાં આવેલા કલેઇમ કેસમાં અદાલતે ટ્રકની વીમા કંપનીને રૂ. ૬૧ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
હકિકત મુજબ, ગત તારીખ ૧૨/૦૫/૨૦૨૩ નારોજ રાત્રીના ૧:૩૦ કલાકે ગુજરનાર કશ્યપભાઈ પ્રદિપભાઈ પંડયા (ઉ.વ.૨૮) પોતાના હિરોહોન્ડા મોટર સાઈકલ લઈને ગઢકા ગામથી ઘરે પરત ફરતા હતા.ત્યારે રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા મહીકા ગામ પાસે કોઈપણ પાર્કિંગ લાઈટ, ઈન્ડીકેટર આપ્યા સામાવાળા ટ્રક નં.જી.જે.૩૬.વી.૨૧૫૫ ના ચાલકે ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરી દીધો હતો.જેથી કશ્યપભાઈની આંખ સામેથી આવતા વાહનની લાઈટથી અંજાય જતાં આ ટ્રકની પાછળ તેઓનું બાઇક ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ આઈ.પી.સી. ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા ૩૦૪(અ) અને મોટર વ્હીકલ એકટની કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબનો ગુન્હો દાખલ કર્યો હતો.
અકસ્માતમાં ગુજરનાર કશ્યપભાઈ પંડયાના વારસદારો દ્વારા રાજકોટ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા અંગે તા. ૧૩/૦૬/૨૦૨૩ના રોજ કલેઈમ કેસ નં. ૧૦૨૪/ ૨૦૨૩ થી દાખલ કરવામા આવ્યો હતો. જે કેસમાં બંને પક્ષોની વિગતવાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈ ટ્રકની વીમા કંપની ન્યુ ઈન્ડીયા જનરલ ઈન્સ્યોરન્સને ગુજરનાર કશ્યપ પંડયાના વારસદારોને રૂા. ૬૧,૫૦,૦૦૦/- ચુકવવા રાજકોટ એમ.એ.સી. ટ્રીબ્યુનલ (ઓકઝી) દ્વારા હુકમ કર્યો હતો.
આ કામમાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી તથા પ્રદિપ આર. પરમાર રોકાયેલ હતા.