રાજકોટના બે પોલીસ ઇન્સ્પેક્ટરને ડિજિટલ એરેસ્ટ કરવા પ્રયાસ
પીઆઈ બી.બી.જાડેજાને આવેલા ફોનમાં કહેવાયું..."તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કાયદા વિરુદ્ધના કૃત્ય માટે થઈ રહ્યાની મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જો જલ્દી જવાબ નહીં આપો તો બે કલાકમાં નંબર બંધ થઈ જશે'ને ધરપકડ પણ થશે”
પીઆઈ એમ.એ.ઝણકાટને પણ આવો જ ફોન આવ્યો તો તેમણે કહ્યું, હા, હું જોવડાવી લઈશ...!!
બન્ને પીઆઈની લોકોને અપીલ, જેવો જવાબ અમે આપ્યો તેવો જ તમારે પણ આપી દેવાનો છે, બીજું કશું જ નથી કરવાનું એટલે બચી જશો...હા, ૧૯૩૦ ઉપર ફરિયાદ કરવાનું ન ભૂલતાં
રાજકોટ સહિત આખા દેશમાં
ડિઝિટલ અરેસ્ટ’ નામના ભૂતે રીતસરનો ઉપાડો લીધો છે જેનાથી અત્યારે સૌ કોઈ ચિંતીત બની ગયું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત' કાર્યક્રમમાં આ પ્રકારના ફ્રોડ અંગે ચિંતા વ્યક્ત કરીને લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી હતી તે જ વાત આ મુદ્દો કેટલો ગંભીર છે તેની ગવાહી પૂરે છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે બે લોકો
ડિઝિટલ અરેસ્ટ’ થઈ ચૂક્યા છે જ્યારે બિનસત્તાવાર આંકડો પણ ચિંતાજનક હોઈ શકે છે. આ બધાની વચ્ચે સાયબર ક્રાઈમ પોલીસ મથકના અધિકારીઓને પણ આ પ્રકારના સાણસામાં સપડાવી લેવા માટે ફોન આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. સ્વાભાવિક રીતે ફોન કરનારને એ ખબર નહીં હોય કે તેણે જેને ફોન કર્યો છે તે સાયબર ક્રાઈમ પોલીસ મથકના જ પીઆઈ છે !!
પીઆઈ બી.બી.જાડેજાને ગુરૂવારે સાંજે વર્ચ્યુઅલ નંબર પરથી એક ફોન આવ્યો હતો. ફોન પર જેવી વાતચીત શરૂ થઈ એટલે પીઆઈ જાડેજા સમજી ગયા હતા કે આ ફ્રોડકોલ છે છતાં તેમણે વાત કરવાનું ચાલું રાખ્યું હતું. જેવી વાત આગળ વધી એટલે સામેથી એમ કહેવાયું હતું કે તમારો મોબાઈલ નંબર બે કલાકની અંદર બંધ થઈ જશે. આ પછી પીઆઈએ ચોંકી ગયેલા સ્વરે કહ્યું હતું કે શું વાત કરો છો ? કેમ નંબર બંધ થઈ જશે ? તો સામેવાળાએ પહેલાં પીઆઈ પાસે તેમના આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા માંગ્યા હતા.
ત્યારબાદ પીઆઈએ ખોટા ચાર આંકડા આપી પણ દીધા હતા અને પોતાનું નામ રવિ સંખારવા જણાવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે સામેવાળાએ એવો જવાબ આપ્યો હતો કે આ તમે જે ચાર આંકડા આપ્યા છે તે રવિ સંખારવાના નામના જ છે ! આ પછી સામેવાળાએ કહ્યું હતું કે તમારા પાસે બીજો મોબાઈલ નંબર છે તેના મારફતે કાયદા વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યાની ફરિયાદ મુંબઈ પોલીસ મથકમાં નોંધાઈ છે. વાસ્તવિક્તા એ છે કે સામેવાળાએ જે બીજો નંબર કહ્યો તે પીઆઈ જાડેજા પાસે છે જ નહીં ! તો પણ તેમણે વાત ચાલું રાખતાં સામે છેડેથી એમ કહેવાયું હતું કે જો તમે તાત્કાલિક કાર્યવાહી નહીં કરાવો તો તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે અને મોબાઈલ નંબર પણ બંધ થઈ જશે. જો કે ત્યારબાદ પીઆઈએ ફોન કટ કરી નાખ્યો હતો.
જો તેમણે આટલી વાતચીતમાં પોતે ડરી ગયા છે તેવું દર્શાવ્યું હોત તો થોડી જ વારમાં તેમને વીડિયો કોલ આવ્યો હોત અને પછી ડિઝિટલ અરેસ્ટનો ખેલ શરૂ થઈ ગયો હોત…! આવો જ એક બીજો ફોન પીઆઈ એમ.એ.ઝણકાટને પણ આવ્યો હતો પરંતુ તેઓ વાતચીત પરથી જ સમજી ગયા હોવાને કારણે ફટાક દઈને કહી દીધું હતું કે હા, હું જોવડાવી લઈશ…આવું કહીને તેમણે ફોન કાપી નાખ્યો હતો.
અત્રે મહત્ત્વની વાત એ જ છે કે આ પ્રકારના ફોન આવે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી અને બિન્દાસ્ત બનીને વાત કરવાની છે. ડરવાની જગ્યાએ બન્ને પીઆઈએ જે પ્રકારે જવાબ આપ્યા તે પ્રકારે જવાબ પણ આપી શકાય છે. જો કે દરેક વ્યક્તિએ એ ન ભૂલવું જોઈએ કે આ પ્રકારનો ફોન આવે તો તેમણે તુરંત જ ૧૯૩૦ નંબર ઉપર ફોન કરી દેવો જોઈએ.
નિવૃત્ત શિક્ષકના `ડિઝિટલ અરેસ્ટ’ કેસમાં સેન્ટ્રલ IBના શહેરમાં ધામા
ચાર અધિકારીઓએ સાત આરોપીની પાંચથી છ કલાક સુધી પૂછપરછ કરી: કમ્બોડિયા કનેક્શન ખુલતાં ટૂંક સમયમાં રેલો ત્યાં સુધી પહોંચશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ ડિઝિટલ અરેસ્ટથી ચિંતીત
રાજકોટમાં રહેતાં નિવૃત્ત શિક્ષક મહેન્દ્રભાઈ મહેતાને તેમના જ ઘરમાં ડિઝિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ ૫૬ લાખ જેવી માતબર રકમ પડાવી લીધાની ઘટનાના ઘેરા પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ બાબતે અત્યંત ચિંતીત હોય તેના દ્વારા તાત્કાલિક અસરથી સેન્ટ્રલ આઈબીના અધિકારીઓને રાજકોટ મોકલ્યા હતા અને ચાર અધિકારીઓની ટીમે આ કેસમાં પકડાયેલા સાત આરોપીની પાંચથી છ કલાક સુધી પૂછપરછ કરી એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સુપ્રત કર્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવાની થશે. આ કેસમાં કમ્બોડિયાની ગેંગ સંડોવાયેલી હોવાનું પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલતાં ભારત દ્વારા ત્યાં સુધી તપાસના તાર લંબાવવામાં આવશે. આ ઉપરાંત ઓરિસ્સા કનેક્શન ખુલ્યા બાદ ત્યાં પણ રાજકોટ સાયબર ક્રાઈમની એક ટીમ તપાસાર્થે રવાના થઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં જૂનાગઢ, અમદાવાદ, પાટણ સહિતના શહેરોના સાત આરોપીઓ પકડાયા છે જે પૈકી બે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરવામાં આવ્યા હતા.
૩૨ વર્ષીય એન્જિનિયર થયો `ડિઝિટલ અરેસ્ટ’: ૯૬ હજાર ગુમાવ્યા
પેટા: એક દિવસ સુધી ઘરમાં જ ગોંધી રાખ્યો, ગભરાયેલા યુવકે ખાતામાં પડેલા પૈસા ફટાફટ મોકલી દીધા
ડિઝિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી લીધાના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે આમ છતાં લોકો તેના પરથી શીખ લેવાની જગ્યાએ ભોગ બની રહ્યા હોવાથી પોલીસની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ડિઝિટલ અરેસ્ટનો આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માલવિયાનગર પોલીસ મથકમાં થયેલી અરજી પ્રમાણે એ જ વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષીય યુવક કે જે એન્જિનિયરિંગ કરી રહ્યો છે તે આ ફ્રોડનો ભોગ બન્યો હતો. સાયબર માફિયાઓએ એક દિવસ સુધી તેને ઘરમાં જ ગોંધી રાખી ૯૬ હજાર રૂપિયા પડાવી લીધા હોવાનું તેણે અરજીમાં જણાવ્યું હતું. જે પ્રકારે તેને કેસ અંગે જાણકારી આપવામાં આવી તે તમામ યુવકે સાચી માની લીધી હતી અને ગભરાઈને પોતાના ખાતામાં પડેલા ૯૬ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. એક દિવસ બાદ યુવક પોતે છેતરાયો હોવાનું ભાન થતાં પિતા અને મિત્રો સાથે ફરિયાદ કરવા દોડી આવ્યો હતો !