ઘૂઘરામાં ચટણી નાખવા મુદે થયેલો ઝગડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો
કોઠારીયા રોડ પર સંતોષ ઘૂઘરા પરની ઘટના : પિતા-પુત્ર સહીત ત્રણે બે યુવકને છરીઓ ઝીંકી તો’ સામા પક્ષે ધોકા-પાઈપ વડે માર માર્યો : ભક્તિનગર પોલીસે 9 સામે ગુનો નોંધ્યો
શહેરના કોઠારીયા રોડ પર આવેલી આંખની હોસ્પિટલ પાસે સંતોષ ઘુઘરાવાળાની કેબીને ઘુઘરામાં ચટણી નાખવા મુદે બે પક્ષ વચ્ચે ધોકા, પાઇપ અને છરી વડે સામ સામે હુમલો થતા ચારથી પાંચ વ્યક્તિ ઘવાયા હતા અને એક યુવાનની હત્યાનો પ્રયાસ કરાયો હતો. અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ મામલે ભક્તિનગર પોલીસે 9 સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ, ભગવતીપરા શેરી નં.10 રાધેકિષ્ના મંદિર પાછળ રહેતા અબ્દુલકાદિરભાઇ કાશમભાઇ સીદાદ (ઉ.વ.28)એ પોતાની ફરિયાદમાં કોઠારીયા રોડ વિવેકાનંદ નગરમાં રહેતા અલ્પેશ ઠાકર અને તેમના બન્ને સંતાનો ઉદય અને દેવનું નામ આપી જણાવ્યું હતું કે, સાંજના સમયે તેમના મિત્ર યુસુફભાઇ ગોગદા બન્ને જસદણથી જંગલેશ્ર્વર તેમના મિત્ર નવાઝની દોસ્તીપાન નામની દુકાને હતા ત્યારે તેમના મિત્ર નિદાલ બ્લોચને કોઇનો ફોન આવ્યો હતો અને તેમને કોઠારીયા રોડ પર સંતોષ ઘુઘરા નામની લારી પર આવવા જણાવ્યું હતુ જેથી ત્રણેય મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ત્યાં નદીમનો મિત્ર અરમાન પણ હાજર હતો અને ત્યાં ઘુઘરાવાળાને પુછતા તેમણે ચટણી બાબતે નદીમ અને ત્યાં ઘુઘરા ખાવા આવેલા ઉદય અને દેવ સાથે માથાકુટ થઇ હતી. આ બનાવમાં ઉદય અને દેવે છરી વડે હુમલો કરી યુસુફને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. તેમજ અબ્દુલભાઇને કાન પાસે છરીનો ઘા ઝીંક્તા તેઓ પણ લોહીલુહાણ થઇ ગયા હતા. અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે સામાપક્ષે અલ્પેશભાઇ કિશોરભાઇ ઠાકરે બાલા સહિત છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશભાઇએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેમના બન્ને પુત્રો ઉદય અને દેવ ઘુઘરા ખાવા કોઠારીયા રોડ પર ગયા હતા. ત્યારે ત્યાં ઘુઘરામાં ચટણી નાખવા મામલે બાલા નામના શખ્સ અને તેમની સાથે આવેલા અન્ય શખ્સોએ માથાકુટ કરી ધોકા-પાઇપ વડે હુમલો ર્ક્યો હતો. આ મામલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સરવૈયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.